JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાઈ

પ્રાકૃતિક ખેતીના અભિયાનને જનઆંદોલનમાં પરિવર્તિત કરવા રાજ્યપાલનું આહવાન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાઈ હતી.
પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, આજે ગુજરાતના લગભગ દરેક ગામડામાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. લોકોના આરોગ્ય, જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને આગામી દિવસોમાં એક જનઆંદોલનમાં પરિવર્તિત કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં રોલ મોડલ બની ઉભરશે.
તાજેતરમાં રાજભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટેની કાર્યયોજના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેની યોજનાની જાણકારી આપતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, દરેક તાલુકામાં ૧૦-૧૦ ગામોનું એક ક્લસ્ટર-સમૂહ બનાવવામાં આવશે. જેમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ઢબે ખેતી કરતા ખેડૂતોને કે, જેણે પ્રાકૃતિક ખેતીમાં એક મોડલ પ્રસ્થાપિત કર્યું છે અને પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો અને ફાયદાઓ અન્ય ખેડૂત સુધી પહોંચાડી શકે એમ છે તેને એક ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવશે. આ ખેડૂત-ટ્રેનર ક્લસ્ટરના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે તાલીમ આપશે. આમ, આયોજનબદ્ધ રીતે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને આગળ વધારવામાં આવશે.
આ તાલીમ ગામની જાહેર જગ્યામાં યોજવામાં આવશે. જ્યાં પાણી સહિત અન્ય પ્રાથમિક સગવડતા હોય જેથી બિન જરૂરી ખર્ચ ન કરવો પડે. પ્રાકૃતિક ખેતીની તાલીમ લેનાર ખેડૂતોનું રજીસ્ટર નિભાવવામાં આવશે અને તેની સમયાંતરે સમીક્ષા પણ કરવામાં આવશે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ૧૯૬૦ ના દશકમાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે જમીનનો ૨ થી ૨.૫ ટકા ઓર્ગેનિક કાર્બન હતો. જ્યારે આજે યુરિયા, ડીએપીના અંધાધૂધ ઉપયોગથી ધરતીનું ઓર્ગેનિક કાર્બન ૦.૩ થી ૦.૫  ટકા સુધી ગબડી ગયો છે.રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીના અનુભવના આધારે ઓર્ગેનિક કાર્બન વધારવા માટેના ઉપાયો જણાવી ખેડૂતોને માર્ગદર્શિત કર્યાં હતા.
રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, જો ધરતી પર આવી જ રીતે રાસાયણિક ખાતરથી ખેતી થશે તો આગામી ૪૦-૫૦ વર્ષમાં આખી દુનિયાની જમીન બીન ઉપજાઉ બની જશે. તેમણે નીતિ આયોગના અહેવાલને ટાંકતા કહ્યું કે,હાલ દેશ અને દુનિયામાં હાલ સૌથી મોટો પડકાર ગ્લોબલ વોર્મિંગનો છે. આજે રાસાયણિક અને જૈવિક ખેતી ૨૪ ટકા જેટલું ગ્લોબલ વોર્મિંગ વધારવામાં  ભાગ ભજવી રહી છે. આજે પૂર, ભૂકંપ, નદી સુકાઈ જવી જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ પ્રકૃતિથી વિપરીત વ્યવહારો અને પ્રકૃતિ સાથે છેડછાડનું પરિણામ છે. આજે પક્ષીઓની કેટલીક પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. ત્યારે દેશ-દુનિયાને બચાવવાની જવાબદારી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો નિભાવી રહ્યા છે.
રાજ્યપાલ એ ધર્મ – શાસ્ત્ર અને વેદનું પરમ સત્ય જણાવતા કહ્યું હતું કે, સારા કર્મથી સારૂ ફળ પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક કૃષિ જે ખેડૂતો કરી રહ્યા છે તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની સાથે ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ થઈ રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો જમીન, પાણી, હવા બચાવી  લોકોને તંદુરસ્ત સ્વાસ્થ્ય બક્ષી રહ્યા છે.
આ પ્રસંગે રાજ્યપાલએ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને જનમાનસ સુધી પહોંચાડવા કૃષિ ઋષિ પદયાત્રાની પહેલને બીરદાવી અને તેના આયોજકોને પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી પહોંચાડવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પાકૃતિક અને સેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.કે.ટીંબડીયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, પાકૃતિક ખેતી માટેની રાજ્યપાલની મુહિમથી સમગ્ર રાજ્યમાં એક જુવાળ ઉભો થયો છે. તેના પરિણામો આજે જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે આ પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળામાં સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લામાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પી.વી. ચોવટીયાએ આભારવિધિ કરી હતી.
કૃષિ-ઋષિ પદયાત્રાના થકી પ્રાકૃતિક ખેતીની જાણકારી છેવાડાના લોકો સુધી લઈ જવામાં સંતો અને કાર્યકરોના યોગદાનને બિરદાવવા માટે આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે મુકતાનંદ બાપુ, ભારતી આશ્રમના ભારતી બાપુ,  પ્રેમસ્વરૂપદાસ સ્વામી, જગજીવનદાસ બાપુ, મોહન સ્વામી સહિતના સંયોજક, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ટ્રેકટર દાતાઓ અને સક્રિય કાર્યકરોને સન્માનિત કરાયા હતા.
આ તકે કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, પ્રાકૃતિક કૃષિ સંયોજક પ્રફુલ સેંજલીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. એ.આર.પાઠક, તેમજ પાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો અને  કૃષિ વિભાગ – આત્માના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!