NANDODNARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ૯૦ ઈ-રીક્ષા ૪૨ અધિકારીઓ માટે ઈલેક્ટ્રીક વાહનોનું સફળ સંચાલન પર્યાવરણ જાળવવામાં કારગત સાબિત થઈ રહ્યા છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ૯૦ ઈ-રીક્ષા ૪૨ અધિકારીઓ માટે ઈલેક્ટ્રીક વાહનોનું સફળ સંચાલન પર્યાવરણ જાળવવામાં કારગત સાબિત થઈ રહ્યા છે

રાજપીપલા : જુનેદ ખત્રી

“ એક વર્ષ પહેલાં અમે ઘરકામ કરી માત્ર સામાન્ય ગ્રામીણ ગૃહિણી ટ્રાયબલ તરીકેની ઓળખ ધરાવતા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારએ એકતાનગર(કેવડિયા)માં ઈ-રીક્ષાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારથી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રોજેક્ટમાં ફરવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓની માગને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને ઈ-રીક્ષા મારફત ફરવા લઈ જઈએ છીએ. ઈ-રીક્ષા ચલાવવાથી અમે આર્થિક રીતે પગભર થયા જ છીએ અને પરિવારમાં આર્થિક સહયોગ પૂરો પાડવા અમે આત્મનિર્ભર બની સક્ષમ બન્યા છીએ. કેવડિયામાં ઈ-રીક્ષા શરૂ થવાથી અમારા પરિવારની આર્થિક સમૃદ્ધિતો થઈ જ છે પરંતુ સાતપુડા અને વિંધ્યાચળની ગીરીમાળાઓમાં આવેલા વન વિસ્તાર અને પર્યાવરણને પણ નુકશાન થતું નથી. વન વિસ્તારની હરિયાળી જળવાઈ રહેવા સાથે દેશ વિદેશના પ્રવાસીઓને પણ આનંદ અને મોજ આવે છે. અમારા પરિવારમાં સમૃદ્ધિ થકી ખુશહાલી આવી છે….” મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથેની આ અભિવ્યક્તિ વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષાનું સફળતા પૂર્વક સંચાલન ડ્રાયવિંગ કરતી સ્થાનિક આદિવાસી બહેનોની છે, જેથી નર્મદે સર્વદેની ઉક્તિ ખરા અર્થમાં સાચી ઠરી રહી છે.

૫ જુન ૨૦૨૧નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછું થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. જે સ્વપ્ન સાકાર થતા ઓગષ્ટ- ૨૦૨૧માં જ પ્રારંભિક ધોરણે ૧૦ જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. જે આજે એકતાનગરના રાજમાર્ગ પર દોડી રહી છે. તબક્કાવાર આસપાસના ગામોની મહિલાઓને વાગડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે ઇ-રીક્ષા પરિચાલનની મહિલા પાયલોટને વિધિસરની તાલીમ આપી એઆરટીઓ-નર્મદા દ્વારા રીક્ષા ચલાવવાનું ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. ડ્રાઈવિંગની યોગ્ય તાલીમ બાદ ઈ-રિક્ષામાં વધારો કરાતા આજે સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ૯૦ જેટલી ઈ-રીક્ષાઓના માધ્યમથી સ્થાનિક આદિવાસી મહિલાઓ દેશ-વિદેશ અને ગુજરાતભરમાંથી આવતા પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સુગમતા પૂર્વક સલામત સુવિધા પુરી પાડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ-એકતાનગર (SOUADTGA)ના અધિકારીઓના આવા-ગમન માટે પણ ૪૨ જેટલા ઈલેક્ટ્રીક વિહિકલ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

વાગડિયા ગામના પિન્ક ઈ-રીક્ષા ચાલક નીલમબેન તડવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, અહીં આવતા પ્રવાસીઓને ઈ-રીક્ષા ખૂબ જ પસંદ આવી રહી છે. બહેનોને રીક્ષા ચલાવતા જોઈને પ્રવાસીઓ પણ ખૂબ જ ખુશી અને આનંદ અનુભવી રહ્યા છે. આ ઈ-રિક્ષા ચલાવવાથી અમને ખૂબ ખુશી થાય છે. આ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં માત્ર બહેનો એક સાથે આટલી બધી રીક્ષા ચલાવી રોજગારી મેળવી આત્મનિર્ભર તરફ મક્કમ મનોબળથી આગળ વધી રહી છે. આ ઈ-રીક્ષા કેવડિયાની આસપાસના બહેનો માટે રોજગારીનું ઉત્તમ માધ્યમ બની રહ્યું છે. ઈ-રીક્ષા ચલાવી રોજગારી મેળવવાથી અમારા ઘર-પરિવારમાં પણ અમારી ઈજ્જત-આબરૂ વધી છે. ઈ-રીક્ષાના માધ્યમથી અમે જાતે પગભર થતા પરિવારનું આર્થિક નિરવહન કરવામાં પણ મદદરૂપ થઈ શક્યા તેનો અમને અપાર આનંદ છે. સાથે મોદી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયાને ઇલેક્ટ્રીક વિહિકલ ઝોન તરીકે વિકસાવવાનું જાહેર કરતા ઓગસ્ટ- ૨૦૨૧ થી અહીં ઈ-રીક્ષાનું સંચાલ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર કેવડિયા વિસ્તારમાં અલગ-અલગ ૯૦ જેટલી ઈ-રીક્ષા ચાલી રહી છે. ઈ-રિક્ષાનું સંચાલન કરતી ખાનગી કંપની સાથે ૭૦ થી ૮૦ બહેનો જોડાયેલા છે. જેમને લોકલ ફોર વોકલના સૂત્ર સાથે ઈ-રીક્ષાના માધ્યમથી રોજગારી પૂરી પાડવામાં આવે છે. રીક્ષા સર્વિસ સ્ટેશનમાં પણ ૧૦ થી ૧૨ સ્થાનિક આદિવાસી યુવાનો કામ કરે છે અને રીક્ષાનું મેઈન્ટેનન્સ, મેકેનિકલ કામ કરી રેડી ટુ ઓર્ડરમાં આ રીક્ષા રાખે છે. કેવડિયા આસપાસના ગામોની બહેનો ઈ-રીક્ષા ચલાવી દિવસના એવરેજ રૂપિયા ૧૫૦૦ થી ૨૦૦૦ની ચોખ્ખી આવક મેળવી તેમાંથી મિનિમમ વેજીસ પ્રમાણે ૭૦૦ રૂપિયા રીક્ષા ભાડું કંપનીને ચૂકવે છે, બાકીની જે આવક થાય છે તેમાંથી બહેનો પોતાનું ઘર ચલાવે છે. દોઢ વર્ષના સમયગાળામાં ઈ-રીક્ષાના માધ્યમથી હાલની સ્થિતિએ દરેક બહેનો મહિને ૨૦ થી ૨૨ હજાર રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. હાલના તબક્કે અંદાજે ૯૦ લોકો આ ઈ-રીક્ષાના પ્રોજેક્ટ થકી રોજગારી મેળવી રહ્યાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!