
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
લખપત,તા-૦૩ ઓક્ટોબર : લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલા આશાપુરા માં નું મંદિર લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે ‘માં આશાપુરા’ નાં દર્શનાર્થે નવરાત્રિ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતાં આવે છે. આ પદયાત્રીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને વન વિભાગ દ્વારા પ્રથમ વખત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેડિકલ કેમ્પમાં સામાજિક વનીકરણ રેન્જ, નખત્રાણાનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી આઈ.જે.મહેશ્વરી અને વન કર્મચારીશ્રી દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પ તા.29/09/24 થી તા.02/10/24 સુધી યોજવામાં આવ્યો હતો. પુઅરેશ્વર મહાદેવ મંદિર, તા.નખત્રાણા પાસેના વન વિભાગનાં આ સેવાયજ્ઞમાં અત્યાર સુધી 5000 થી વધુ પદયાત્રીઓએ લાભ લીધો છે. આ મેડીકલ કેમ્પમાં ઠંડા પાણીની વ્યવસ્થાઓની સાથે પ્રાથમિક સારવારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલું હતું. આ મેડિકલ કેમ્પ અંગે અનેક લોકોએ વન વિભાગનો આભાર પ્રગટ કર્યો હતો.




