
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ


રાષ્ટ્રીય બંધારણ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ અને ભારતીય બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશની બંધારણ સભાએ તા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. તેને સ્વીકાર્યાના બે મહિના પછી એટલે કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો. જેના પરિણામે ૨૬ નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૪ ના રોજ “સંવિધાન દિવસ” ની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં સંવિધાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા અને કોલેજોમાં ભારતીય સંવિધાનનું મહત્વ સમજાવી બાળકોને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આહવા લાઇબ્રેરી ખાતે પણ ગ્રંથપાલ શ્રી મિતેશ એન. પટેલનાં અધ્યક્ષપણા હેઠળ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તેમજ ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય તેમજ નહેરુ યુવા કેન્દ્ર, આહવા ડાંગ દ્વારા સુબીર તાલુકાના પીપલદહાડ ખાતે ગામની સરકારી કુમાર છાત્રાલયમાં સંવિધાન દિવસની ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં ખાંબલા પંચાયતના સરપંચ શ્રી કાંતિલાલ રાઉતે સંવિધાન દિવસ નિમિત્તે વિધાર્થીઓને ભારતીય સંવિધાન વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ બાદ ગામમાં વિધાર્થીઓ અને વડીલો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી સરકારી કુમાર છાત્રાલયથી લઇને પીપલદહાડના ચેક પોસ્ટ સુધી યોજાઇ હતી.




