“બાળ લગ્ન મુક્ત ભારત -બાળ લગ્ન મુક્ત કચ્છ” સથવારો મેળો રાપર ખાતે યોજાયો.
સથવારો મેળામાં બાળલગ્ન, ઘરેલું હિંસા, બાળકોના અધિકારો, શિક્ષણ વગેરે અંગે કાયદાકીય સમજ અપાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા -૧૯ ડિસેમ્બર : બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે. જે બાળકોના જીવન વિકાસમાં અવરોધરૂપ છે. બાળલગ્ન ન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અન્વેય કાર્યરત “બેટી બચાઓ, બેટી પઢાવો” યોજના, ઇશાર સંસ્થા રાપર અને યુનિસેફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે “બાળ લગ્ન મુક્ત ભારત – બાળ લગ્ન મુક્ત કચ્છ” સથવારો મેળો-૨૦૨૪નું રાપર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ જાગૃતિ કાર્યક્રમમાં રાપર તાલુકાની જુદી જુદી શાળાઓ દ્વારા બાળ લગ્ન અટકાવો, ચાલો ફરી શાળાએ, કિશોરી સશક્તિકરણ, મારી મરજી વગર અડશો નહિ” આવા વિવિધ વિષય પર નાટ્યકૃતિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા.જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા “બાળલગ્ન અટકાવ અધિનિયમ ૨૦૦૬” અન્વયે કાયદામાં લગ્નની દીકરીની ઉંમર ૧૮ વર્ષ તેમજ દીકરાની ૨૧ વર્ષ હોવાનું અને આ કાયદાનું ઉલ્લંઘન કરનારને મળનારી સજા વિષે વિસ્તૃત માહિતી આપી હતી. મહિલાઓને “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ -૨૦૦૫” અન્વયે આ કાયદાની જરૂરિયાત તથા ઐતિહાસિક પૂર્વ ભૂમિકા, ઘરેલું હિંસાની વ્યાખ્યા, ફરિયાદ કોઈ સામે થઇ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી, તથા કાયદાની વિસ્તૃત માહિતી અને વિભાગીય યોજનાની માહિતી આપવામાં આવી હતી.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી નરેશભાઈ ચૌહાણ દ્વારા “બાળલગ્ન અટકાવ અધિનિયમ -૨૦૦૬” અન્વેય બાળ લગ્નોની અસરો, બાળ લગ્નોના કારણો અને તેને અટકાવવાના પગલા તથા કાયદાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ચાઈલ્ડ પ્રોટેક્શન સ્પેશિયાલીસ્ટ યુનિસેફ ગુજરાતના શ્રી અર્દૈતાબેન મરાઠે દ્વારા બાળકોના અધિકારો, શિક્ષણ, તથા કાયદાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ઇસાર સંસ્થા રાપરના ટ્રસ્ટીશ્રી ડૉ. વિધુતભાઈ જોશી દ્વારા સમાજમાં ચાલતા બાળલગ્ન, નાની વયે દીકરા દીકરીઓને શિક્ષણથી વંચિત રાખવાના કારણો અને સમાજમાં બદલાવ લાવવા અંગે માહિતી અપાઇ હતી.ઉક્ત કાર્યક્રમમાં ચાઈલ્ડ પ્રોટેક્શન સ્પેશીયાલીસ્ટ યુનિસેફ ગુજરાતના શ્રી અર્દૈતાબેન મરાઠે, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ભરતભાઈ મકવાણા, રાપર તાલિકા વિકાસ અધિકારીશ્રી, ઇસાર સંસ્થાના પ્રમુખ વિધુત જોશી, રાપર તાલુકાના CDPOશ્રી, રાપર તાલુકાના સી.આર.સી, બી.આર.સી ટીમ, કાનુની સેવા સત્તા મંડળના એડવોકેટશ્રી, વિવિધ સમાજના આગેવાનો, રાપર તાલુકાના GSRTCના ડેપો મેનેજરશ્રી, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ, ઇસાર સંસ્થાના મંત્રીશ્રી સેજલબેન જોશી, જેન્ડર પરીવર્તકો, SMCના સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.કાર્યક્રમના અંતે બાળ લગ્ન અટકાવવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજનમાં ઇસાર સંસ્થાની ટીમ તેમજ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ જોડાઇ હતી.





