GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લાની નવીન એમ-પેક્સ(સેવા), ડેરી અને ફિશરિઝ સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું વિતરણ કરાયું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે દેશભરમાં ૧૦ હજાર નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનો વર્ચ્યુઅલી શુભારંભ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

કચ્છના સહકારી અગ્રણીશ્રીઓ અને લાભાર્થીઓ કેડીસીસી બેંક ભુજ ખાતેથી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સહભાગી થયા

કચ્છ જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારશ્રીની કચેરી, કેડીસીસી બેંક અને નાબાર્ડના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું

ભુજ, તા-૨૫ ડિસેમ્બર :  દેશના ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦,૦૦૦ નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે કચ્છ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, કેડીસીસી બેંક અને નાબાર્ડ કચ્છના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની નવીન સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કેડીસીસી બેંક ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, કેડીસીસી બેંકના ચેરમેનશ્રી દેવરાજભાઈ ગઢવી, માંડવી મુન્દ્રાના ધારાસભ્યશ્રી અનિરૂદ્ધભાઈ દવે, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર સુશ્રી મેઘા અગરવાલ, નાબાર્ડના ડીડીએમશ્રી નિરજકુમાર સિંઘ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે જિલ્લાની ૦૯ એમ-પેક્સ(સેવા), ૧૫૬ દૂધ મંડળીઓ અને ૦૧ ફિશરિઝ મંડળીને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારશ્રીની COP-5 યોજના અંતર્ગત કચ્છ જિલ્લાની પાંચ જેટલી સહકારી મંડળીઓને નાણાંકીય સહાયની ચૂકવણીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રામપર વેકરાની સેવા મંડળીને સીએસસી સેન્ટરની ઉત્તમ કામગીરી અને અંજારના નગાવલાડીયા સેવા મંડળીને પાણી સમિતિની ઉત્તમ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં દિલ્હી ખાતે દેશના કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કેડીસીસી બેંક ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના વિવિધ સહકારી અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિશ્રીઓ અને નવીન સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!