
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
જંકફુડના ત્યાગ સાથે મેડીટેશન, કસરત, યોગ તથા યોગ્ય ડાયટના સહારે પીયુષે માત્ર દોઢ વર્ષમાં સ્વસ્થતા, શરીર સૌષ્ઠવ સાથે યોગ્ય વજન મેળવ્યું
ભુજ,તા-28 મે : બદલાતી જતી જીવનશૈલી તથા અયોગ્ય આહારની આદતોના કારણે લોકો મેદસ્વિતાનો ભોગ બની રહ્યા છે. સતત જંકફુડ તથા ઘર બહારના ભોજનના સેવન થકી નાના બાળકો પણ મેદસ્વિતાથી બચી શક્યા નથી. બાળકનો નાનપણથી વધતો જતો વજન યુવાવયે વધુ ગંભીર બાબત બની જાય છે. સ્વાસ્થ્યની સમસ્યા સાથે મેદસ્વિતા યુવાનોનો આત્મવિશ્વાસ પણ છીનવી લે છે. ત્યારે ભુજના પિયુષ ઠક્કર અનેક યુવા માટે મેદસ્વિતાથી મુક્ત થવાની યાત્રા શરૂ કરવા માટે પ્રેરણારૂપ છે. એક સમયે મેદસ્વિતાનો ભોગ બનેલ પિયુષે આત્મબળ તથા યોગ્ય દિનચર્યાના પરિણામે દોઢ વર્ષમાં ૪૧ કિ.ગ્રા વજન ઘટાડીને પોતાને પુન:શરીર શૌષ્ઠવ હાંસલ કર્યું છે.
ભુજનો ૨૫ વર્ષનો પિયુષ જણાવે છે કે, નાનપણથી જંકફુડ ખાવાની આદતના કારણે ધીર ધીરે વજન વધતું ગયું, અંતે ૧૩૦ કિ.ગ્રા મારું વજન પહોંચી ગયું હતું. વધુ પડતા વજનના કારણે થાક, થોડી પણ ઉંચાઇ પર ચડવાથી શ્વાસ ચડી જવો, આળસ, નીચે બેસવામાં સમસ્યા, કમરમાં દુખાવો વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઇ હતી. સતત આળસના તેમજ સ્ફુર્તિના અભાવે અભ્યાસમાં પણ મારુ ધ્યાન લાગતું ન હતું. અંતે ભારે વજનથી થતી સમસ્યાઓથી કંટાળીને એક દિવસ મે મેદસ્વિતાથી છુટકારો મેળવવા મનો મન દઢ સંકલ્પ કર્યો. વજન ઘટાડવામાં ભલે સમય લાગે પરંતુ, હું મારા લક્ષ્ય સુધી નહીં પહોંચું ત્યાં સુધી હાર નહીં માનું તેવા તેવા નિર્ધાર સાથે મે દોઢ વર્ષ પહેલા એટલે કે, વર્ષ ૨૦૨૪થી મારી મેદસ્વિતા મુક્તિની યાત્રા શરૂ કરી હતી. પ્રથમ તો મે જંકફુડ સંપૂર્ણ બંધ કરવા સાથે, નિયમિત કસરત, મેડીટેશન-પ્રાણાયામ, યોગ તેમજ ઘરનું સ્વાસ્થ્ય પ્રદ ભોજન લેવાનું શરૂ કર્યું હતું. મારી નિયમિતતાના કારણે ધીરે ધીરે મારૂ વજન ઘટવા લાગતા મારો આત્મવિશ્વાસ વધતો ગયો, અને મે મારી વેઇટ લોસ યાત્રાને ચાલુ રાખી. પરિણામે દોઢ વર્ષમાં હું ૧૩૦ કિલોમાંથી ૮૯ કિલોના વજન પર પહોંચી શક્યો છું. હજુ પણ વજન ઘટાડવાની મારી યાત્રા ચાલુ છે.
હું તમામ બાળકો. તરૂણ તથા યુવાઓને એટલું જ કહીશ કે, જંકફુડની આદત તેમજ કસરત ન કરવાના કારણે મોટાભાગના બાળકો તેમજ યુવાનો મેદસ્વિતાનો ભોગ બને છે. ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીને યુવાઓએ આહારની ખોટી આદતો છોડીને યોગ્ય આહાર સાથે નિયમિત કસરતને અપનાવવી જોઇએ. દેશના 9 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યુ હતું. જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલી લઈ તેમના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો શુભારંભ કર્યો છે ત્યારે મેદસ્વિતાથી પીડાતા નાગરિકો જાગૃત બનીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ચલાવી મેદસ્વીતા મુક્ત બને તેમ જણાવ્યું હતું.




