
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંય મોટા ગાબડાં પડી ગયા છે. જેના કારણે ગામવાસીઓ ખેડૂતો વાહનચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આજે કેશોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને ઉદેશીને લેખિતમાં આવેદનપત્ર આપી સત્વરે બિસ્માર હાલતમાં પડેલા રસ્તાઓ ની મરામત કરવા માંગણી કરી છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહત બચાવ, જળાશયોની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. આ સિવાય આ બેઠકમાં રાજ્યમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઈ હતી. મુખ્યમંત્રી રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા હતા.કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા રીસર્ફેસીગ કામ માટે ફાળવવામાં આવતી રકમની પુરતી કામગીરી કરવામાં આવતી નથી અને જે કરવામાં આવે છે સતાધીશો દ્વારા લાગતાં વળગતા ને પ્રાથમિકતા આપી પક્ષપાતી વલણ અપનાવીને વિવાદો ઉભાં કરે છે. કેશોદ તાલુકા ના એક ગામ થી બીજા ગામને જોડતા ૪૦ જેટલા રોડ રસ્તાઓ ની હાલત બિસ્માર છે જેથી કેશોદ તાલુકા ના નાગરિકો ને યાતાયાત માં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. જેના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાંત અધિકારી શ્રી મારફત મુખ્યમંત્રી શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ડી. કે. પીઠીયા પ્રમુખ કોંગ્રેસ સમિતિ કેશોદ,અશોકભાઈ વણપરિયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ કેશોદ આશિષ પીઠિયા પ્રમુખ – કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ સહિત પદાધિકારીઓ આગેવાનો ચુંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ બાય – અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





