
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા. 12 ઓગસ્ટ : સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે મુન્દ્રા તાલુકાના વિરાણીયા અને સાડાઉ ગામની પ્રાથમિક શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં, વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લઈને ગામની શેરીઓમાં ભવ્ય રેલી કાઢી હતી. રેલી દરમિયાન, બાળકોએ દેશભક્તિના નારા લગાવ્યા અને તિરંગાનું મહત્વ સમજાવતા સંદેશાઓ આપીને ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવી હતી.
આ પ્રસંગે, શાળાઓમાં રંગોળી અને ચિત્ર સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ પોતાની કલાત્મક પ્રતિભાથી તિરંગા અને રાષ્ટ્રપ્રેમને સુંદર રીતે રજૂ કર્યા હતા. સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શિક્ષકો, વાલીઓ અને ગામના લોકોના સહયોગથી રેલીનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. બાળકોએ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આવા કાર્યક્રમોથી રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બનશે અને ‘હર ઘર તિરંગા’નો ઉદ્દેશય સાર્થક થશે.









