BHUJGUJARATKUTCH

આર.બી.એસ.કે યોજનાની નિઃશુલ્ક આરોગ્ય સેવા મિરઝાપરની દીકરી માટે બની આશીર્વાદ રૂપ

જન્મજાત તાળવામાં ખામીના કારણે એક એક શબ્દ બોલવા માટે ઝઝુમતી દિવ્યાને પીડા માંથી મળી મુક્તિ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૫ સપ્ટેમ્બર : આ યોજના અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર સાથે બાળકની આજીવન તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે-ડૉ.જનકબા જાડેજા.

રાજ્યનું દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે સરકાર હંમેશા ચિંતિત રહી છે. જેમાં “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ડૉક્ટરો દ્વારા ઘેર-ઘેર જઈને દરેક બાળકની આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવે છે. બાળકોની ચિંતામાં રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી હરહંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલીઓ દૂર કેમ થાય, તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે, અનેક ઘરોમાં તેમના લાડકવાયા બાળકોનો ખિલખિલાટ પુન:ગુંજતો થયો છે.

કચ્છ જિલ્લાના ભુજમાં મિરઝાપરના રહેવાસી ગોવિંદભાઈ કોલીના પુત્રી દિવ્યાને જન્મતાની સાથે જ મોઢામાં તાળવા પર કાણું હતું. જેનાથી દિવ્યાને બોલવામાં અને સાંભળવામાં તકલીફ રહેતી હતી. બાળકીને આ તકલીફમાં જોઈને પરિવારને ખૂબ દુ:ખ થતું હતું. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો પરિવાર ૯ વર્ષની દિવ્યાને સ્વસ્થ કઈ રીતે કરવી? સાથે જ સર્જરીના ખર્ચને કંઇ રીતે પહોંચી વળાશે તે વિચારથી ઘેરી ચિંતામાં મૂકાઇ ગયો હતો.

ત્યારે જ આર.બી.એસ.કે યોજના અંતર્ગત સરકાર દિવ્યાની બીજી “મા” બનીને અમારા પરિવારની મદદે આવી હતી તેવી લાગણી દિવ્યાના દાદાશ્રી દિનેશભાઈ કોલીએ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, દિવ્યા અન્ય બાળકોની જેમ સ્કૂલ જઈ શકતી ન હતી. બોલવામાં અને સાંભળવામાં તકલીફ પડતી હતી, બાળકીને પીડામાં જોઈને અમને દુ:ખ થતું હતું પરંતુ અમારે શું કરવું તેની ખબર પડતી ન હતી. અમારી એટલી સારી પરિસ્થિતિ ન હતી કે અમે ખાનગી દવાખાનામાં જઈને સારવાર કરાવી શકીએ. ત્યારે એક દિવસ આશા વર્કર બહેનો અમારા વિસ્તારમાં આવ્યા હતાં. તેમણે દિવ્યાની તપાસ કરી, અમને સંદર્ભ કાર્ડ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તે બાદ અમે આ યોજના હેઠળ યોગ્ય સારવાર લીધી હતી. આ કાર્ડના કારણે અમને દવા, રીપોર્ટસ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા હતાં. જેના કારણે અમને એક રૂપિયાનો ખર્ચ પણ ખિસ્સામાંથી કરવો પડ્યો ન હતો.

દિવ્યાનું આર.બી.એસ.કે ટીમના ડૉ.જનકબા જાડેજા અને ડૉ. કીંજલ પુજારા દ્વારા મિરઝાપર કન્યા શાળામાં સ્ક્રિનિંગ કરાયું હતું. ત્યારબાદ તેમને જી.કે.જનરલ હોસ્પિટલમાં યોગ્ય નિદાન માટે રિફર કરવામાં આવ્યા હતાં. આ બાબતે ડૉ. જનકબા જાડેજા એ જણાવ્યું હતુ કે, આર્થિક પરિસ્થિતિની સાથે સાથે પ્રેમવશ બાળકને કશુંક થઈ જશે તે ભયથી સર્જરી કરાવવી કે નહીં તે માટે પણ દંપતિના મનમાં અવઢવ હતી. ત્યારે ખરા સમયે જ પરિવારને સધિયારો આપતાં આર.બી.એસ.કે.ની ટીમ અને જી.કે.જનરલ હોસ્પિટલના ડોકટરોની ટીમે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” વિષે જણાવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમજ ઓપરેશન બાદ પણ નિયમિત ફોલોઅપ લેવાશે તેમ જણાવતા દિવ્યાના માતા-પિતાને હાશકારો થયો અને આખરે તેઓ સારવાર લેવા સહમત થયા હતાં. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દિવ્યાને તાળવાના આગળના ભાગમાં કાણું હતું તેથી તેની તુરંત સારવાર કરવી જરૂરી હતી. પરંતુ દિવ્યાનો ઓછો વજન અને ક્લેફ પેલેટની ખામીના કારણે તેમને ગળામાં સતત શરદીનો ભાગ રહેતો હોવાથી તુરંત નિદાન કરી શકાયું નહી, અંતે તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેમની જી.કે.જનરલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી હતી. હાલ તબીબી ટીમ દ્વારા ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર સાથે બાળકની આજીવન તપાસ કરી જરૂરી પુરતી સારવાર પણ આપવામાં આવે છે. દિવ્યાની માતા જોશનાબેને હર્ષના અશ્રુ સાથે જણાવ્યું હતું કે, દિવ્યા એકદમ સ્વસ્થ છે અન્ય બાળકોની જેમ બોલતી હસતી- રમતી થઈ છે અને શાળાએ જઈ ભણી શકે છે. આ સારવારથી સંતોષ અનુભવીને કોલી પરિવાર આનંદ અનુભવી રહ્યો છે તેથી પરિવારે બાળકને નવજીવન આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!