BHACHAUGUJARATKUTCH

વિભાગીય સંશોધન કેન્દ્ર,સ.દા.કૃ.યું.,ભચાઉ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભચાઉ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૦૯ ફેબ્રુઆરી : વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ.યું., ભચાઉ, હસ્તક ચાલતી “ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી” યોજના તથા ઉન્નતિ – વિકાસ શિક્ષણ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૩-૦૨-૨૦૨૬ અને ૦૪-૦૨-૨૦૨૬ ના રોજ વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ.યું., ભચાઉ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. તો, તેમાં તા: ૦૩-૦૨-૨૦૨૬ ના રોજ ચોબારી, કણકોઈ, ભરૂડિયા, મનફરા અને કુડા ગામના અંદાજીત ૪૦ જેટલા અને તા: ૦૪-૦૨-૨૦૨૬ ના રોજ જંગી, વાંઢીયા, લાખાપર, ગોડપર, મોડપર અને લગધીરગઢ ગામના લગભગ ૪૦ જેટલા લાભાર્થી ખેડૂતોએ ભાગ લીધો હતો. જે તાલીમનું વિષય શીર્ષક “સૂકી ખેતીમાં જમીન આરોગ્ય, જળવાયુ પરિવર્તન, પાક સંરક્ષણ અને મૂલ્યવર્ધન અંગે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ” હતું.ઉપરોક્ત તાલીમ દરમિયાન વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા ડો. આર. એમ. જાડેજા (સહ સંશોધન વૈજ્ઞાનિક) તેમજ ડો. એન. આર. બુંબડીયા (સહ સંશોધન વૈજ્ઞાનિક) તથા વિવિધ વિષય નિષ્ણાતો જેમ કે ડો. રવિકુમાર વાણીયા, ડો. વારીસ અલી, ડો. યોગેશ રાઠવા, ડો. અતુલ નીનામા, ડો. ભવ્યરાજસિંહ વાઘેલા અને શ્રીમતી. તન્વીબેન પટેલ દ્વારા વિવિધ ખેતી વિષયક વ્યાખ્યાન આપવામાં હતા.કાર્યક્રમની શરૂઆત ડો. યોગેશ રાઠવાએ કરી હતી, જેમાં તેમણે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ, શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓ તેમજ ભચાઉ સ્થિત વિભાગીય સંશોધન કેન્દ્રની કામગીરી અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ડો. એન. આર. બુંબડીયા તથા ડો. વારીસ અલીએ “જમીન આરોગ્ય પત્રક: પોષક તત્વોનું આદર્શ પ્રમાણ અને ક્ષારીય જમીનમાં પોષણ વ્યવસ્થાપન” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ અવસરે તેમણે જમીન સુધારણા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, જમીન પરીક્ષણની પ્રક્રિયા તેમજ યોગ્ય પોષણ વ્યવસ્થાપન દ્વારા જમીનની ઉપજક્ષમતા અને પાકની ગુણવત્તા વધારવા સાથે ખેડૂતોને મળતા આર્થિક તથા પર્યાવરણીય લાભોની વિસ્તૃત માહિતી આપી હતી.ત્યારબાદ ડો. રવિકુમાર વાણીયા તથા ડો. ભવ્યરાજસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનોમાં જીરુ અને એરંડાના પાકમાં જોવા મળતા મુખ્ય રોગો તથા હાનિકારક જીવાતો અંગે માહિતી આપી હતી. તેમણે રોગ-જીવાતોના પ્રારંભિક લક્ષણો, જીવનચક્ર અને પાક પર થતી અસર સમજાવી, તેમજ સંકલિત નિયંત્રણ પદ્ધતિ હેઠળ જૈવિક અને રાસાયણિક ઉપાયો દ્વારા પાકની ઉપજ અને ગુણવત્તા જાળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ડો. અતુલ નીનામા દ્વારા સંકલિત ખેતી પદ્ધતિ તથા તેનાથી થતા અનેક લાભો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ લાભાર્થી ખેડૂતોને ફાર્મના વિવિધ નિર્દશન એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. વધુમાં, ડો. આર. એમ. જાડેજા તથા શ્રીમતી. તન્વીબેન પટેલ દ્વારા બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન,અને તેની બજાર વ્યવસ્થા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગામના જુદા જુદા ખેડૂતોએ પોતાના ખેતી સંબંધિત અનુભવો તથા સમસ્યાઓ અંગે માહિતી રજૂ કરી હતી. અધિકારીશ્રીઓ દ્વારા તેમના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન અને વ્યવહારુ ઉકેલો આપવામાં આવ્યા, જેના પરિણામે ખેડૂતોને સંતોષકારક જવાબો પ્રાપ્ત થયા હતા.આ એક દિવસીય ખેડૂત તાલીમ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે જ્ઞાનના આદાન-પ્રદાન માટે એક ઉપયોગી તથા માહિતીપ્રદ મંચ સાબિત થઈ હતી.

Back to top button
error: Content is protected !!