
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ તા. ૧૯ ફેબ્રુઆરી : આજના શિક્ષણ જગતમાં શાળાઓ માત્ર જ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ તેમને પર્યાવરણીય, આરોગ્ય અને સુરક્ષાના માપદંડો પર પણ તપાસવામાં આવે છે. તાજેતરમાં, કચ્છ જિલ્લાની અંજાર તાલુકાની શ્રી મથડા પ્રાથમિક શાળાને તાલુકા અને જિલ્લા કક્ષાએ “સક્ષમ શાળા એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમગ્ર શિક્ષા યોજના હેઠળ આપવામાં આવે છે, જેમાં શાળાઓને પાણી, શૌચાલય, સ્વચ્છતા, આરોગ્ય, હવા, હરિયાળી, ઉર્જા, આબોહવા પ્રતિભાવ, આપત્તિ જોખમ, બાળ સંરક્ષણ, સંચાલન અને વર્તન પરિવર્તન જેવી 12 મહત્વની બાબતો પર આધારિત મૂલ્યાંકન કરવામાં આવે છે.જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર સાહેબ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબના વરદ હસ્તે આ સન્માન સમારોહમાં શાળાને વિશેષ સિદ્ધિ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો. આ એવોર્ડ યુનિસેફ અને ગુજરાત સરકારના સહયોગથી આપવામાં આવે છે, જે શાળાઓને સ્વચ્છ, હરિયાળી અને સુરક્ષિત બનાવવાના ધ્યેયને પ્રોત્સાહન આપે છે.શ્રી મથડા પ્રાથમિક શાળાની આ સિદ્ધિ આચાર્ય,શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. શાળામાં પાણીની વ્યવસ્થા, શૌચાલયની સ્વચ્છતા અને હરિયાળી જગ્યાઓનું વિકાસ કરવામાં આવ્યું છે. વધુમાં, આપત્તિ જોખમ વ્યવસ્થાપન અને બાળ સંરક્ષણ જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી છે. આ એવોર્ડથી શાળાનું મનોબળ વધ્યું છે અને અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બન્યું છે. આ યોજના શિક્ષણને વધુ વ્યાપક અને ટકાઉ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં વધુ શાળાઓ આ માપદંડો અપનાવીને ‘સક્ષમ’ બની શકે તેવી આશા છે. આ સિદ્ધિ શ્રી મથડા શાળાને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે. આ એવોર્ડ મળવા બદલ શાળાના આચાર્ય જીતેન્દ્રસિંહ પરમારે ખુશી વ્યક્ત કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌતમભાઈ જોશીએ SMC અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.




