
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
દીકરી વહાલનો દરિયો જ નહીં, પિતા માટે ‘જીવનદાતા’ પણ: અરવલ્લીની દીકરીએ પિતાને લીવર આપી નવજીવન આપ્યું
બાયડના મહેશભાઈ બ્રહ્મભટ્ટ માટે મુનાઈ (ભિલોડા) રહેતી દીકરી હેતલબેન પંડ્યા વહારે આવી; પિતા-પુત્રીના પવિત્ર સંબંધની અનોખી મિસાલ
આધુનિક યુગમાં જ્યાં સંબંધોમાં સ્વાર્થ અને દૂરાવ જોવા મળે છે, ત્યાં અરવલ્લી જિલ્લામાં પિતા-પુત્રીના અતૂટ પ્રેમ અને માનવતાની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. બાયડના મહેશભાઈ જીભાઈભાઈ બ્રહ્મભટ્ટને ગંભીર લીવર બીમારીમાંથી બચાવવા તેમની પરિણીત પુત્રી હેતલબેન નરેશભાઈ પંડ્યાએ પોતાના લીવરનો હિસ્સો દાન કરી પિતાને નવજીવન આપ્યું છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મુખ્ય મથકે નિવાસ કરતા મહેશભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા કેટલાક સમયથી લીવરની ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તબીબોની તપાસ બાદ તેમને તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી. યોગ્ય ડોનર મળવો મુશ્કેલ બનતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.આ સંજોગોમાં ભિલોડા તાલુકાના મુનાઈ ગામે સાસરે રહેતી તેમની પુત્રી હેતલબેન પંડ્યા પિતાની વહારે આવી. પિતાના જીવનને બચાવવું પોતાની ફરજ સમજી હેતલબેને સહેજ પણ સંકોચ વિના લીવર દાન કરવાનો સાહસિક નિર્ણય લીધો. પરિવારજનો અને સાસરિયાઓના સહયોગથી હોસ્પિટલમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન બાદ પિતા અને પુત્રી બંનેની તબિયત સુધારા તરફ હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના માત્ર એક પરિવારની ખુશી પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે. દીકરીને દીકરા કરતા ઓછી માનવાની માન્યતાઓ વચ્ચે મુનાઈની દીકરીએ સાબિત કર્યું છે કે દીકરી સંજોગોમાં પરિવારની સૌથી મોટી શક્તિ બની શકે છે.બ્રહ્મભટ્ટ અને પંડ્યા પરિવારની આ અનોખી મિસાલ આજે સમગ્ર પંથકમાં પ્રશંસાનો વિષય બની છે અને સોશિયલ મીડિયા તેમજ લોકમુખે ચર્ચાનું કેન્દ્ર બની છે.





