
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૩ ફેબ્રુઆરી : ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના એન્વાયર્મેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (EEP) ૨૦૨૫-૨૬ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા “Sustainable Lifestyle Practices” (ટકાઉ જીવનશૈલી પદ્ધતિઓ) શીર્ષક હેઠળ વિશેષ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત જૈવિક વિવિધતા અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વને સમજવાના ઉદ્દેશ સાથે નખત્રાણા સ્થિત છારીઢંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ ખાતે તા. ૧૪/૦૨/૨૦૨૬ અને તા. ૨૧/૦૨/૨૦૨૬ એમ બે તાલીમ કાર્યશાળાઓ યોજાઈ હતી. આ કાર્યશાળામાં કચ્છ યુનિવર્સિટી-ભુજ, સરકારી ઈજનેરી કોલેજ-ભુજ, આર.આર. લાલન કોલેજ-ભુજ અને મુક્તજીવન ગર્લ્સ કોલેજ-ભુજના આશરે ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યશાળા દરમિયાન વિદ્યાર્થીઓને જૈવિક વિવિધતા સંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઉર્જા / ઉર્જા સંરક્ષણ, જૈવિક ખેતી, ટકાઉ જીવનશૈલી, શહેરી બાગાયત અને પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ જેવી થીમ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રેક્ટિકલ એક્ટિવિટીઝના ભાગરૂપે કેમ્પસમાં બાયોડાયવર્સિટી વોક, સ્વચ્છતા અભિયાન તેમજ ઈકો-પોસ્ટર ડિઝાઇન અને પેપર પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. આ કાર્યશાળામાં સામાજિક વનીકરણ વિભાગ-કચ્છના નાયબ વન સંરક્ષકશ્રી જે.આર. પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી આર.જે. દેસાઈ તથા જાણીતા પક્ષીવિદ કૌશિકભાઈ ઘેલાણી તેમજ વન વિભાગના સ્ટાફે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.







