GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા‘બાલિકા પંચાયત’ ના સશક્તિકરણ માટે ત્રિ-દિવસીય તાલીમનો પ્રારંભ.

 

તારીખ ૨૭/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દીકરીઓના સામાજિક અને વહીવટી સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ‘બાલિકા પંચાયત’ તાલીમ મોડ્યુલ અંતર્ગત પ્રશિક્ષકો માટેના ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનો આજરોજ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું ઉદઘાટન માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “બાલિકા પંચાયતનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો વિકસે અને તેઓ ગ્રામ્ય સ્તરની વહીવટી પ્રક્રિયાઓમાં સક્રિય બને તેવો છે. આ તાલીમ દ્વારા તૈયાર થયેલા પ્રશિક્ષકો છેવાડાના ગામ સુધી પહોંચી કિશોરીઓને માર્ગદર્શન પૂરું પાડશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાના વક્તવ્યમાં આરોગ્ય અને સામાજિક જાગૃતિના સમન્વય પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સશક્ત બાલિકા જ સશક્ત સમાજનું નિર્માણ કરી શકે છે.

આ તાલીમમાં ICDS વિભાગની ૪૦ મુખ્ય સેવિકા બહેનો અને આરોગ્ય વિભાગની ૪૦ ફિમેલ હેલ્થ વર્કર (FHW) બહેનો મળી કુલ ૮૦ પ્રશિક્ષકો જોડાઈ રહ્યા છે. આ પ્રશિક્ષકો ‘માસ્ટર ટ્રેનર્સ’ તરીકે તૈયાર થઈને ગ્રામ્ય સ્તરે કિશોરીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને તેમને પંચાયતી રાજની પ્રક્રિયા સમજાવવા કાર્ય કરશે.

કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી (ICDS) તથા કચેરીના અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તાલીમ આગામી ૨૮ ફેબ્રુઆરી સુધી ચાલશે.

આ પહેલ દ્વારા આગામી સમયમાં ગ્રામ્ય કક્ષાએ બાલિકા પંચાયત વધુ મજબૂત બનશે અને કિશોરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!