BHUJGUJARATKUTCH

ભુજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે કચ્છમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર નારીશક્તિઓનું સન્માન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા૦૯ માર્ચ : દરેક મહિલાએ પોતાનું કૌશલ્ય વિકસાવીને આત્મનિર્ભર બનવું જોઇએ – વિજયાબેન પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી.

રાજ્ય સરકારની વિવિધ યોજનાની લાભાર્થી મહિલાઓને સહાય ચેક તથા મંજૂરી પત્રકોનું વિતરણ.

ભુજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે મહિલા કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છમાં વિવિધ ક્ષેત્રે પોતાની શક્તિને ઉજાગર કરીને સમાજ માટે પ્રેરણા બનનાર નારીશક્તિઓને પ્રેરિત કરવા માટે સન્માન કાર્યક્રમ સાથે જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓની ક્ષમતાને પારખીને તેમને સમાજમાં અધિકાર આપવો. વિશ્વમાં મહિલાઓએ પોતાના હક્કો મેળવવા અનેક સંઘર્ષો કર્યા છે. ભારતમાં બંધારણે સ્ત્રીને સમાન તકો અને અધિકાર આપ્યા છે ત્યારે દરેક મહિલાએ પોતાની શક્તિને ઓળખીને પોતાના અધિકાર માટે જાગૃત બનવું જોઇએ. તેમણે દરેક મહિલાને પોતાનું કૌશલ્ય પારખીને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા શીખ આપી હતી. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કચેરી અધિક્ષકશ્રી ભારતીબા સોઢાએ મહિલાઓને પોતાની આવડતના બળે પોતાની જાતને સ્થાપિત કરવા તથા હંમેશા ઉચ્ચ સપના સેવીને તેને સાકાર કરવા મહેનત કરવા પર ભાર મૂક્યો હતો. આધુનિક સમયમાં શિક્ષણ જરૂરી છે ત્યારે પોતાની જાત પર વિશ્વાસ કેળવી લઘુતાગ્રંથી ત્યજીને દરેક પડકારોનો સામનો કરવા સજ્જ બનવા હાકલ કરી હતી. તેમણે ગૃહિણીઓને પણ પોતાના પર ગર્વ કરવા તથા પોતાની જાત માટે સમય કાઢવા અનુરોધ કર્યો હતો. આજે સરકાર અનેક યોજનાકીય સહાય કરી રહી છે ત્યારે વધુમાં વધુ મહિલા ઉદ્યમીઓ આગળ આવે તેવી તેમણે અપીલ કરી હતી. શ્રી મુકતજીવન સ્વામી બાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના ટ્રસ્ટીશ્રી કીર્તિભાઇ વરસાણીએ દરેક સ્ત્રીને શિક્ષણનું મૂલ્ય સમજીને જીવનમાં મળેલી તકોને ઉજાગર કરવા સાથે પોતાનું મૂલ્યાંકન અન્ય સાથે નહીં પરતું સ્વયં સાથે કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વક્તાશ્રી ભૂમિબેન ચોક્સી તથા જાગૃતિબેન વકીલે મહિલાઓને આજના સમયની માંગ મુજબ માત્ર શિક્ષણ નહીં પણ નવા આયામો જેવા કે એ.આઇ, કોમ્પ્યુટર જ્ઞાન સહિતના ક્ષેત્રે પણ સજ્જ બનવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે મહિલાઓને સ્વાલંબન, કાયદાકીય અધિકારો, આત્મનિર્ભરતાની શીખ સાથે શિક્ષણ સાથે કોઇપણ સ્કીલમાં પારંગત બનવા જણાવ્યું હતું. સ્ત્રી શક્તિ સ્વરૂપા છે ત્યારે દરેક મહિલાએ પોતાના પરિવાર સાથે પોતાના સ્વાસ્થ્ય અને મનને પણ સશક્ત કરવા તેમજ માત્ર દીકરીઓને નહીં પણ દીકરાઓમાં પણ નૈતિકતા, ચારિત્ર્ય તથા સ્ત્રી પ્રત્યે સન્માનના સંસ્કારનું સિંચન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણ એટલે માત્ર આર્થિક સ્વતંત્રતા નહીં પરંતુ દરેક મહિલા પોતાના નિર્ણયો જાતે લેતી થાય એને સર્વગ્રાહી સશક્તિકરણ કહી શકાય. સશક્તિકરણ એટલે પુરુષનો વિરોધ નહીં પરંતુ તેમના સહયોગમાં રહીને કાર્ય કરવું, સાથે મળીને સમાયોજન સાધી કામ કરવું તે સાચા અર્થમાં સમાનતાની નિશાની છે. તેમણે મહિલાઓને પોતાના સપના સાકાર કરવા ખૂબ જ ધગશ સાથે મહેનત કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે મહિલા અને બાળ વિભાગ હેઠળ મહિલા અને બાળકીઓના ઉત્કર્ષ માટે ચાલતી વિવિધ યોજનાકીય માહિતી પણ મહિલાઓને પુરી પાડી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને સાર્થક કરવા કાર્યક્રમમાં કચ્છમાં કલા, રાજકીય, મહિલા કલ્યાણ, રમત-ગમત, સાંસ્કૃતિક, સામાજિક, સહકારી, સાહિત્ય તથા સરકારી ક્ષેત્રે વિશિષ્ટ તથા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ ક્ષેત્રની નારીશક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહિલા અને બાળ વિભાગ, આઇસીડીએસ તથા આરોગ્ય વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચેક, મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મનીષાબેન વેલાણી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ગંગાબેન સેંઘાણી, ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી ટિંવક્લબેન પટેલ, આઇસીડીએસના પ્રોગામ ઓફીસરશ્રી દશરથભાઇ પંડ્યા, જિલ્લા શિક્ષણ વિભાગના શ્રીમતિ વનીતાબેન મહીડા, મહિલા કોલેજના આચાર્યશ્રી હિનાબેન ગંગર સહિત મહિલા સંમેલનમાં વિવિધ ક્ષેત્રની પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી રાજેશભાઇ ગોરે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!