નખત્રાણા તાલુકામાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હેઠળ ૨૧ કેન્દ્રોનું કાયાકલ્પ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૦ માર્ચ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ (IAS) તેમજ ICDS વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડી.ડી. પંડ્યાના સીધા માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ નખત્રાણા તાલુકામાં બાળકોના પોષણ અને શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે.નખત્રાણાના તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દિક્ષિત ઠક્કર અને સી.ડી.પી.ઓ. શાંતાબા ચુડાસમાની આગેવાનીમાં રિનોવેશન અને રિપેરિંગ માટે જુદી જુદી યોજનાઓ હેઠળ કુલ ૪૫ આંગણવાડી કેન્દ્રોને આયોજનમાં લેવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં ૨૧ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે ૨૪ કેન્દ્રોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સુધારાથી આંગણવાડીના ભવનો વધુ સુરક્ષિત અને સુવિધાજનક બન્યા છે.તાલુકાના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ આવતા ૧૯૮ કેન્દ્રો પૈકી અનેક કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે ચાલુ વર્ષે આઈ.સી.ડી.એસ. યોજનાની રીપેરીંગ, રીનોવેશન અને અપગ્રેડેશનની ગ્રાન્ટ હેઠળ કુલ ૨૨ આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી હાલ ૧૩ આંગણવાડી કેન્દ્રોના મકાનોનું રીપેરીંગ અને રીનોવેશનની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. ૦૭ આંગણવાડી કેન્દ્રો હાલમાં નવીનીકરણનું કામ પ્રગતિમાં છે.તેમજ ૦૨ આંગણવાડી કેન્દ્રોના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે પ્રોત્સાહક વાતાવરણ મળે તે હેતુથી ખાસ ‘બાલા પેન્ટિંગ’ (ભીંત ચિત્રો) કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી મૂળાક્ષરો, અંકો અને મહિનાના નામોના આલેખન, પશુ-પક્ષીઓના ચિત્રો અને બાળ વાર્તાઓ ભીતચિત્રો દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. છત, બારી-દરવાજા, પ્લાસ્ટર, ફ્લોરિંગ અને કલરકામ જેવી માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવામાં આવેલ છે. કુલ ૮ કેન્દ્રોમાં શૌચાલય સમારકામનું આયોજન હતું, જેમાંથી ૬ કેન્દ્રોમાં કામ પૂર્ણ થયું છે અને ૨ માં પ્રગતિ હેઠળ છે. વિવિધ યોજનાઓ (૧૫% વિવેકાધીન, ATVT, DMF અને ૧૫મું નાણાપંચ) હેઠળ કુલ ૧૫ કામોનું આયોજન છે. જે પૈકી ૧ કામ પૂર્ણ થયું છે, ૩ પ્રગતિમાં છે અને બાકીના ૧૧ કામોના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.આ નવીનીકરણના કારણે નખત્રાણા તાલુકાના આંગણવાડીના બાળકોને હવે વધુ સુરક્ષિત અને સુવિધાજનક ભવન પ્રાપ્ત થશે, જે તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે.







