BHACHAUGUJARATKUTCH

સરદાર સરોવર નર્મદા નિગમ લી.” યોજનાના અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ માંથી પસંદ કરાયેલા આશરે ૫૦ ખેડૂતોને મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રેરણા પ્રવાસે લઈ જવામાં આવ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૧૦ માર્ચ : વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ. યુનિવર્સિટી, ભચાઉ દ્વારા “સરદાર સરોવર નર્મદા નિગમ લી.” યોજનાના અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ માંથી પસંદ કરાયેલા આશરે ૫૦ ખેડૂતોને મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રેરણા પ્રવાસે લઈ જવામાં આવ્યા છે.પ્રેરણા પ્રવાસની શરૂઆત વખતે વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા તથા સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર. એમ. જાડેજા દ્વારા ખેડૂતોને પ્રવાસનું આયોજન, હેતુ અને મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે કચ્છના ખેડૂતો ફળ પાકોમાં મૂલ્યવર્ધન (Value Addition) અને એગ્રો ટુરિઝમ દ્વારા દેશભરમાં આગવી ઓળખ બનાવે તે માટે આ પ્રેરણા પ્રવાસ એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે. તેમણે જણાવ્યું કે કચ્છના ખેડૂતો ખાસ કરીને દાડમ, ખારેક, કેરી, જીરું, એરંડા અને રાઈ જેવા પાકોમાં અગ્રેસર છે, પરંતુ હજુ સુધી પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રેડિંગ, પેકિંગ, પ્રોસેસિંગ અને માર્કેટ લિંકેજ જેવા ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓ ઉપલબ્ધ છે. આ પ્રેરણા પ્રવાસ ખેડૂતોને ઉત્પાદનથી બજાર સુધીની સંપૂર્ણ કૃષિ વેલ્યુ ચેઇન સમજવામાં મદદરૂપ બનશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમ વખત આવા પ્રકારનો પ્રેરણા પ્રવાસ યોજાયો છે, જેમાં અંદાજે ૨૨૦૦ કિલોમીટરનો પ્રવાસ આવરી લેવાશે.આ પ્રવાસ દરમિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી માર્ગદર્શન આપવા માટે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. વાય. એચ. રાઠવા, ખેતી મદદનીશ જસપાલસિંહ ડાભી તથા મહેશ મરવાડિયા ખેડૂતો સાથે જોડાયેલા છે.પ્રવાસ દરમ્યાન ખેડૂતો મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલ સયાદ્રી ફાર્મની મુલાકાત લેશે, જે ભારતનું સૌથી મોટું ખેડૂત સંચાલિત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) છે. હાલમાં સયાદ્રી ફાર્મ સાથે ૨૫,૦૦૦થી વધુ ખેડૂતો જોડાયેલા છે અને સંસ્થા દ્વારા દર વર્ષે ૧૫૦૦ કરોડથી વધુનો વ્યવસાય થાય છે. આ મુલાકાત કચ્છ જિલ્લાના ખેડૂતોને સંગઠિત થવા તેમજ ખેડૂતમાંથી ખેડૂત ઉદ્યોગપતિ બનવા માટે પ્રેરણા આપશે.સાથે સાથે, પ્રવાસ દરમિયાન ફળ અને શાકભાજીના મૂલ્યવર્ધન કરતા યુનિટોની મુલાકાત પણ લેવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્યમાં વ્યાપક રીતે વિકસેલા એગ્રો ટુરિઝમ મોડલનો પણ ખેડૂતો રૂબરૂ અભ્યાસ કરશે. ઉપરાંત, ગલગોટા તથા અન્ય ફૂલની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની ખેતી પદ્ધતિઓનો અભ્યાસ કરશે. ત્યારબાદ રાહુરી અને નાસિક ખાતે પ્રગતિશીલ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરશે.આ ઉપરાંત ખેડૂતો મહારાષ્ટ્રના રાહુરી ખાતે આવેલ મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠની મુલાકાત લેશે, જ્યાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક ખેતી પદ્ધતિઓ, પાક સંરક્ષણ, જૈવિક અને પ્રાકૃતિક ખેતી તથા નવીન કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવશે પ્રવાસ દરમ્યાન ખેડૂતો ગુજરાત રાજ્યમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી, પ્રાકૃતિક ખેતી ફાર્મ – સ્વામીનારાયણ મંદિર, પોઈચા ધામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ મધમાખી પાલન કરતા પ્રગતિશીલ ખેડૂતોની પણ મુલાકાત લેશે.વધુમાં, આ પ્રેરણા પ્રવાસના આયોજન તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં રોકાણ અને મુલાકાતની વ્યવસ્થામાં ડીસા સ્થિત કૃષિ ડિપ્લોમા કોલેજના સહ પ્રાધ્યાપક ડૉ. મનીષા શિંદેનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ પ્રેરણા પ્રવાસ દ્વારા કચ્છ જિલ્લાના ખેડૂતોને આધુનિક કૃષિ વ્યવસાય, સંગઠિત ખેતી, મૂલ્યવર્ધન અને નવી આવક તકો અંગે પ્રેરણા મળશે, જે ભવિષ્યમાં કચ્છના કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Back to top button
error: Content is protected !!