GUJARATKUTCHMANDAVI

માંડવી તાલુકાના બિદડા ખાતે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમ યોજાયો.

૧૪થી વધુ ગામોના લોકોએ સરકારી યોજનાઓનો લાભ લીધો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૩ માર્ચ : માંડવી તાલુકા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો સીધા પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ‘સેવા સેતુ ૨.૦’ (ગ્રામ્ય) કાર્યક્રમનું ભવ્ય આયોજન બિદડા ગામે કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત કાર્યક્રમમાં બિદડા સહિત આસપાસના જખણીયા, તલવાણા, કોડાય, મદનપુરા, નાના-મોટા અસંબિયા, નાની-મોટી રાયણ, રાજપર ટીંબો, ફરાદી, ધુણઇ અને પુનડી જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

દીપ પ્રાગટ્ય અને ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા, નાયબ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ, નાયબ મામલતદાર તન્વીબેન, વિસ્તરણ અધિકારી હર્ષદભાઈ પટેલ તેમજ બિદડાના સરપંચ જયાબેન છાભૈયાના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા પધારેલા તમામ અધિકારીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

સરકારી યોજનાઓનું માર્ગદર્શન તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણાએ પ્રાસંગિક ઉદબોધનમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને વધુમાં વધુ ગ્રામજનો આ તકનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં આવરી લેવાયેલી મુખ્ય સેવાઓ  આ કેમ્પ દરમિયાન એક જ સ્થળેથી નાગરિકોને નીચે મુજબની મહત્વની સેવાઓ પુરી પાડવામાં આવી હતી,

આર્થિક સહાય: ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના.

આરોગ્ય: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અને રસીકરણની કામગીરી.

કૃષિ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ અને કિસાન ક્રેડિટ કાર્ડ.

દસ્તાવેજો: આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડને લગતી કામગીરી અને રેશન કાર્ડની સેવાઓ.

રોકાણ/બચત: સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતું, બેન્કિંગ સેવાઓ અને પી.એલ.આઈ. (ટર્મ પ્લાન).

લાભાર્થી ઓ ની બહોળી જનસંખ્યાની ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોતાના પડતર પ્રશ્નો તેમજ સરકારી યોજનાઓના ફોર્મનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રવિણભાઇ પટેલ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!