BANASKANTHADEODARGUJARAT

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા – ડાંગિયા ગામમાં ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા – ડાંગિયા ગામમાં ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી*

*પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉનન્ત બનશે: વિકસિત ભારત ૨૦૪૭નો પાયો ‘પ્રાકૃતિક ખેતી’ બનશે*

*આજે કોઈ વ્યક્તિ કેન્સર કે અન્ય જીવલેણ બીમારીથી મરવા માંગતું નથી દરેક લોકો સ્વસ્થ જીવન જીવવાની આશા રાખે છે, જે માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે*

બનાસકાંઠા જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રવાસના બીજા દિવસે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા – ડાંગિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ભૂતડિયાના ‘પ્રાકૃતિક ફાર્મ’ની મુલાકાત લીધી હતી.

પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી એવા રાજ્યપાલશ્રીએ ખેતરમાં લહેરાતા આંબા, જામફળ, પપૈયા અને ગલગોટાના મિશ્ર પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયા પાસેથી આ પાકોના મૂલ્યવર્ધન અને વેચાણ વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી અને પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતોને આધુનિક મિશ્ર પાક પદ્ધતિ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ફાર્મના માલિક અને ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયા દ્વારા અપનાવવામાં આવેલી રાસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જોઈ રાજ્યપાલશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ખેતરમાં રાજયપાલશ્રીએ ખાટલા પર સાદગીપૂર્ણ વાતાવરણમાં કુદરતના ખોળે બેસી ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો, જેમાં ખેડૂત અને ફાર્મના માલિક ઈશ્વરભાઈ ભૂતડિયાએ રાજ્યપાલશ્રીને આવકારી જણાવ્યું કે, હું છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, આજે રાજ્યપાલશ્રીના પાવન પગલાં અમારી ધરતી પર પડતા મારી મહેનત આજે ફળી છે. દરેકે ઝેરમુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.

રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું કે, દેશની ધરતી અને લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે સેવાભાવથી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમના ખેતરની માટી સોનુ બની ચુકી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનનું ઓર્ગેનિક કાર્બન વધતા જમીન ફળદ્રુપ બને છે. વધુમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્રપાક વડે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપ્યું હતું.

રાજ્યપાલશ્રીએ રાજ્યના વિવિધ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની સક્સેસ સ્ટોરી જણાવી ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, શિક્ષિત લોકોને પણ પ્રાકૃતિક કૃષિ વળવાની જરૂર છે. જેટલા વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એટલા વધુ પ્રકૃતિની નજીક આવશે. આજે કોઈ વ્યક્તિ કેન્સર કે અન્ય જીવલેણ બીમારીથી મરવા માંગતું નથી. દરેક લોકો સ્વસ્થ જીવન જીવવાની આશા રાખે છે. પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉનન્ત બનશે અને દેશ સ્વસ્થ બનશે.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે, આ પરોપકારી સ્વદેશી ખેતીથી દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે અને વિકસિત ભારત ૨૦૪૭ નું સપનું સાકાર થશે. રાજ્યપાલશ્રીએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું હતું.

ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયા છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ પોતાના ખેતરમાં બહુસ્તરીય ખેતી કરે છે, જેમાં કેળા, પપૈયા, આંબા અને જામફળ જેવા ફળોના વાવેતરની સાથે આંતરપાક તરીકે ગલગોટાનું પણ વાવેતર કરે છે. આ મોડેલ ફાર્મ બનાવવાનો હેતુ એ છે કે ખેડૂતને આંબા જેવી લાંબા ગાળાની ખેતીમાં આવક માટે વર્ષો સુધી રાહ ન જોવી પડે. આ પદ્ધતિમાં ગલગોટા અને પપૈયા જેવા ટૂંકા ગાળાના પાકોથી બે-ત્રણ મહિનામાં જ આવક શરૂ થઈ જાય છે. ત્યારબાદ જામફળ અને છેલ્લે આંબાની આવક આજીવન મળતી રહે છે. ખેડૂત ઈશ્વરભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી તેમનું ઉત્પાદન પણ જળવાઈ રહ્યું છે અને ખર્ચમાં મોટો ઘટાડો થયો છે.

આ મુલાકાત દરમિયાન જિલ્લા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!