GUJARATKUTCHMANDAVI

મુન્દ્રા તાલુકાની આરોગ્ય કામગીરીની ખાસ બેઠકમાં કામગીરીની સમીક્ષા કરાઇ

મુન્દ્રા તાલુકાની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમલી વિવિધ કામગીરીની સમીક્ષા માટે ખાસ બેઠક યોજાઈ હતી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૭ માર્ચ : જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી, પોષણ (ન્યુટ્રીશન), રસીકરણ, સંક્રમક રોગોનો અટકાવ, ટીબી નિર્મૂલન, કુટુંબ કલ્યાણ તેમજ માતા અને બાળ આરોગ્ય જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીએ આરોગ્યના તમામ કાર્યક્રમોની વિગતવાર સમીક્ષા કરીને કામગીરીમાં ગુણવત્તાસભર સુધારો લાવવા કડક સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન માતા અને બાળ આરોગ્ય યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જિલ્લામાં થયેલા બાળ અને માતૃત્વ મૃત્યુના કારણો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.શાળા આરોગ્ય તેમજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી 18 વર્ષ સુધીના શાળાએ જતાં તેમજ ન જતાં બાળકોને પ્રાથમિક તપાસથી લઈને સઘન સારવાર સુધીની સેવાઓ સુનિશ્ચિત કરવા ઉપર ભાર મૂક્યો હતો. ઉપરાંત, આરોગ્યલક્ષી યોજનાઓને પરિપૂર્ણતા સુધી પહોંચાડવા માટે ફિલ્ડ સ્તરે સર્વે કામગીરી વધારવા અને વધુ ઘનિષ્ઠ રીતે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવે , જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. પટેલ, ઈ.એમ.ઓ. ડો. કેશવ કુમાર, તાલુકા આરોગ્ય અધિકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસર્સ તેમજ આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સાથે MPHW, MPHS, FHW, FHS અને CHO સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!