GUJARATKUTCHMANDAVI

માંડવી ખાતે રૂ. 781. 83 લાખના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત 

પોલીસ પરિવારની સુખાકારીની ચિંતા કરતી રાજ્ય સરકાર ૫ વર્ષમાં ૨૦ હજારથી વધુ પોલીસ આવાસોનું નિમાર્ણ કરવા કટિબદ્ધ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

કમલેશ પટેલ, રાજ્યમંત્રી નાણા અને પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા

– રાષ્ટ્રભાવનાને પ્રથમ રાખીને નાગરિકો દેશવિરોધી તત્વોને ઓળખી પોલીસને સજાગ કરે.

– માંડવી ખાતે નિમાર્ણ થનાર આવાસોથી સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું મનોબળ વધુ મજબૂત બનશે

માંડવી,તા-૧૯ માર્ચ : કચ્છ જિલ્લાના માંડવી શહેર પોલીસ લાઈન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ. 781. 83 લાખના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું આજરોજ નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી તથા ગૃહમંત્રીના નેતૃત્વમાં ભારતના સીમાડા સુરક્ષિત છે. સેવા, સુરક્ષા અને શાંતિ વડાપ્રધાન નો ધ્યેય છે જે પોલીસ વિભાગનું પણ સૂત્ર છે. ત્યારે આ સૂત્રને આજના યુધ્ધના વાતાવરણમાં વડાપ્રધાન ચરિતાર્થ કરી રહ્યા છે. યુધ્ધના કટોકટીભર્યા સમયમાં વિદેશમાંથી ભારતીયોને સુરક્ષિત પરત વતન આવવાથી લઇને દેશમાં જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓનો પુરવઠો ન ખોરવાય તેની ચિંતા તેઓ સુપેરે કરી રહ્યા છે. આજે ભારતની સરહદો તથા આંતરીક સુરક્ષા મજબૂત સેના અને પોલીસના હાથમાં સુરક્ષિત છે ત્યારે તેમણે સૌ સરહદી વિસ્તારના નાગરિકોને પણ દેશમાં અશાંતિ ઇચ્છતા અને નાપાક, દેશવિરોધી ઇરાદા ધરાવતા તત્વોને ઓળખીને તેને માહિતી પોલીસ સુધી પહોંચાડવા અપીલ કરી હતી. માદક પદાર્થોની ઘુસણખોરી કરીને ભારતની યુવા પેઢીને બરબાદ કરવાના મનસૂબા ઘડનારાઓને નાકામ કરવા નાગરિકો તમામ પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠીને રાષ્ટ્રભાવનાને પ્રથમ રાખીને સહયોગ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. તેમણે ઓપરેશન સિંદૂરમાં જે રીતે દીકરીઓએ આગેવાની લઇને રાષ્ટ્રધર્મ નિભાવ્યો હતો. તેની સરાહના કરતા તેમણે વધુમાં વધુ દીકરીઓને શિક્ષણની તક આપીને સમાજમાં મોખરે લઇ જવા અનુરોધ કર્યો હતો.તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ જ્યારે ૨૪ કલાક નાગરિકોની સેવા ફરજ બજાવતો હોય છે ત્યારે તેમની તથા તેમના પરિવારની સુખાકારીની ચિંતા કરવી રાજ્ય સરકારની ફરજ છે. જેના અનુંસંધાને જ ૫ વર્ષમાં રાજ્ય ભરમાં નવા ૨૦ હજારથી વધુ પોલીસ આવાસોનું નિમાર્ણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરાઇ છે. આ માટે માતબર રકમ ફાળવીને કામગીરી શરૂ કરાઇ છે. તે અંતર્ગત જ માંડવી ખાતે પણ નિમાર્ણ થનાર આવાસોથી સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું મનોબળ વધુ મજબૂત થશે. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, પોલીસ સમાજની સુરક્ષા અને સેવા માટે દિવસ-રાત ફરજ પર હોય છે. ત્યારે તેમની સુખાકારી માટે ચિંતિત રાજ્ય સરકાર મુંદરા બાદ માંડવી ખાતે પણ આવાસ નિમાર્ણનું કાર્ય કરી રહી છે. સુવિધાસભર આવાસની ભેટ મળતા સરહદી આ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનો પરિવારની ચિંતાથી મુક્ત થઇને કામગીરી બજાવી શકશે. તેમણે આ તકે દરિયાઇ વિસ્તારના નાગરિકોને રાષ્ટ્રધર્મને પ્રથમ રાખીને જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવતા સરહદ પર રહીને સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વોની માહિતી પોલીસ સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું. આ સાથે જ તેમણે નવા આવાસના નિમાર્ણ સાથે પરિસરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે માળખા ઉભા કરવા સાથે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવા પણ સૂચન કર્યું હતું. આજના કાર્યક્રમમાં આઇજીપી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે, રૂ. 781. 83 લાખના ખર્ચે વિવિધ કેટેગરીના કુલ ૨૭ પોલીસ આવાસના નિર્માણથી પોલીસ પરિવારની સુખાકારીમાં વધારો થશે. જેના પરીણામ સ્વરૂપ કોસ્ટલ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનો વધુ કુશળતા તથા આત્મવિશ્વાસ સાથે અસરકારક રીતે ફરજ બજાવી શકશે. આ પ્રસંગે પ્રજાસત્તાક પર્વ અનુસંધાને દિલ્લી ખાતે ભાગ લેનાર એનસીસી કેડેટસ જીનલબા જાડેજાનું રાજ્યમંત્રીના હસ્તે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આભાર વિધિ કરતા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ રાજ્ય સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. આજના કાર્યક્રમમાં મુન્દ્રા એએસપી ગૌતમ વિવેકાનંદન, મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, આગેવાનશ્રી માંડવી પાલિકા પૂર્વ પ્રમુખ હરેશ વિંઝોડા, પાલિકા પૂર્વ ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સેંઘાણી, સામંતભાઈ ગઢવી, દર્શનભાઈ ગોસ્વામી, સુરેશભાઈ સંઘાર, કેશવજીભાઇ રોશિયા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો, પોલીસ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!