નિરોણા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડુતોને ભારે માર ૮૦૦થી વધુ ખેડુતોને નુકસાન,તાત્કાલિક વળતરની માંગ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા – ૨૧ માર્ચ : નખત્રાણા તાલુકાના નિરોણા, ઓરીરા અને મેડીસર ગામોમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેતીમાં ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. ગત તા. ૧૮ માર્ચ, ૨૦૨૬ની મધરાતે ભારે પવન અને ત્યારબાદ તા. ૧૯ માર્ચના બપોર પછી થયેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે.માહિતી અનુસાર, મધ્યમ સિંચાઈ યોજના હેઠળ આવેલા નિરોણા-ઓરીરા ડેમ વિસ્તારના આશરે ૮ હજાર એકરથી વધુ પીયત વિસ્તારમાં મુખ્ય પાક તરીકે ઘઉં, ઐરંડા અને બગાયતી પાકોમાં દાડમનું ઉત્પાદન થાય છે. પરંતુ અચાનક આવેલા આબોહવાની બદલાવને કારણે ઐરંડા અને ઘઉંના પાક સંપૂર્ણપણે પલળી જતાં મોટા પાયે નુકસાન થયું છે.ખાસ કરીને આ વિસ્તાર ‘પાવર પટી’ તરીકે ઓળખાય છે અને ઐરંડા પાકને અહીં મુખ્ય સ્થાન પ્રાપ્ત છે. આશરે ૮ મહિના સુધી ઉછેરવામાં આવતા આ મુખ્ય પાકને નુકસાન થતાં ૮૦૦થી વધુ ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.ખેડુતોનું કહેવું છે કે, ખેતી જ તેમનો મુખ્ય આજીવિકાનો આધાર હોવાથી આ પ્રકારના કુદરતી આફત સામે સરકારશ્રી દ્વારા ઝડપી રાહત અને સહાય આપવામાં આવે તે જરૂરી બની ગયું છે.નિરોણા જૂથ ગ્રામ પંચાયત સરપંચ નરોત્તમભાઇ આહિર દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક અસરથી નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે હાથ ધરવા અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે.






