દિયોદર ખાતે ભગવાન રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી..

દિયોદર ખાતે ભગવાન રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી..
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
દિયોદર ખાતે રામ નવમીના પાવન અવસર પર ભગવાન રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી યોજાઈ હતી. સમગ્ર દિયોદર ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને “જય શ્રી રામ” ના જયઘોષ સાથે શહેરના વાતાવરણમાં ધાર્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો.
આ ભવ્ય શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક વેશભૂષામાં સજ્જ નાના બાળકો, યુવાનો અને ભક્તજનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં ઘોડા-બગી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ડીજેના ધાર્મિક સંગીત સાથે ભક્તજનો ઉત્સાહભેર નાચતા ગાતા શોભાયાત્રામાં આગળ વધતા રહ્યા હતા.
શોભાયાત્રા દિયોદરના મુખ્ય જાહેર માર્ગો પર ફરી હતી, જ્યાં ગામલોકોએ સ્થળ સ્થળે પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે પૂર્ણ થયો હતો.
આ પ્રસંગે ગામના આગેવાનો, યુવક મંડળો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રામ નવમીના પાવન પર્વની ભક્તિભાવથી ઉજવણી કરી હતી.





