GUJARATKUTCHMANDAVI

કચ્છની દીકરીનો રાજ્ય કક્ષાએ ડંકો: બાળવાર્તા સ્પર્ધામાં ગુંદીયાળીની વીરા વાઘેલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા. ૨૭ માર્ચ : કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનું ગૌરવ રાજ્ય કક્ષાએ ઝળક્યું છે. જી.સી.ઇ.આર.ટી. પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – છોટા ઉદેપુર દ્વારા આયોજિત ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત રાજ્ય કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં માંડવીના ગુંદીયાળી ગામની દીકરીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.છોટા ઉદેપુરના બોડેલી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગુંદીયાળી ગામની શ્રી મોરાવાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં અભ્યાસ કરતી દીકરી વીરા પચાણભાઈ વાઘેલ (રબારી) એ ‘બાલવાટિકા થી ધોરણ-૨’ વિભાગમાં પોતાની વક્તૃત્વ કળા અને વાર્તા શૈલીથી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઝળહળતી સફળતા બદલ વીરાને રૂપિયા ૫૦૦૦ રોકડ પુરસ્કાર, મોમેન્ટો અને ગિફ્ટ એનાયત કરવામાં આવ્યા હતા.વિડિયોના માધ્યમથી યોજાયેલી આ સ્પર્ધાના પુરસ્કાર વિતરણ પ્રસંગે રાજ્ય કક્ષાના કો-ઓર્ડીનેટર ડો. વૈશાલીબેન ચાવડા, ડી.પી.ઈ.ઓ. જે. કે. પરમાર અને ડાયટ પ્રાચાર્ય બી. એમ. સોલંકી જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેમની હાજરીમાં શાળાના આચાર્ય ગૌરાંગ સોમૈયા (મસ્કા) તથા સી.આર.સી. કો-ઓર્ડીનેટર સંજય પટેલે વીરા વતી પુરસ્કાર સ્વીકાર્યો હતો.દીકરી વીરાની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારિયા, બી.આર.સી. કો-ઓર્ડીનેટર મેહુલભાઈ શાહ, ભુજ ડાયટના ભાવનાબેન શર્મા, માંડવી તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ગ્રુપ આચાર્ય પ્રવિણભાઇ મકવાણા, સરપંચ જશુબા વખતસિંહ જાડેજા તથા એસ.એમ.સી. અધ્યક્ષ લાખાભાઈ રબારીએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. વિશેષ કરીને વીરાને પાયાનું માર્ગદર્શન પૂરું પાડનાર તેના વર્ગશિક્ષક મહેન્દ્રકુમાર વસાણીની મહેનતને શિક્ષણ જગત દ્વારા બિરદાવવામાં આવી હતી. શાળા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી નાનકડા મોરાવાડી વિસ્તારનું નામ રોશન કરનાર દીકરીની આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

Back to top button
error: Content is protected !!