સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશો અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ
જિલ્લા સ્તરીય સમિતિ દ્વારા ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા અને સંગ્રહખોરી અટકાવવા મોનીટરીંગના આદેશો અપાયા

તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરીય સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લામાં સપ્લાય ચેઈન જાળવી રાખવા અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે કલેક્ટર દ્વારા સભ્યોને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા બેઠક દરમિયાન ઇંધણ અને ગેસના પુરવઠાની સમીક્ષા કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે એલપીજી સિલિન્ડરના કિસ્સામાં જોવા મળતા બિનજરૂરી ‘પેનિક બુકિંગ’ પર રોક લગાવવા માટે એજન્સીઓનું મોનિટરિંગ વધારવા આદેશ અપાયા છે ખાસ કરીને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીએનજી નેટવર્કને પ્રાથમિકતા આપવા અને કાર્યરત પીએનજી વિસ્તારોમાં વધારાના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે ખેતી અને ખાદ્ય પુરવઠા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં યુરિયા, ડીએપી અને એનપીકે ખાતરનો પૂરતો સ્ટોક છે તેમજ સરકારી ગોડાઉનો અને વાજબી ભાવની દુકાનો (FPS) પર ખાદ્ય અન્નનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે કલેક્ટરએ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને તાકીદ કરતા કહ્યું હતું કે કોઈપણ ચીજવસ્તુનું ડાયવર્ઝન કે કાળાબજારી ન થાય તે માટે ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરવું ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે વધુમાં સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓ પર જનતાએ વિશ્વાસ ન કરવો અને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરવા જણાવાયું હતું નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે આ બેઠકમાં સર્વે પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા, હર્ષદીપ આચાર્ય, મેહુલ ભરવાડ, કુલદીપ દેસાઈ, જિલ્લા સ્તરીય સમિતિના અધિકારીઓ તથા વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





