
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી રેલવે સહિતના પરિવહન ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે : કચ્છના પ્રભારી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા.
ભારતમાં રેલવેના આધુનિકીકરણનો શ્રૈય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા.
ભુજ,તા – ૩૧ માર્ચ : “ઊર્જાવાન ગુજરાત, સશક્ત ભારત” ના સંકલ્પને સાકાર કરવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે ગુજરાત રાજ્ય માટે અંદાજિત રૂ. ૯૦૦ કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. આ વિકાસકાર્યોમાં કચ્છ જિલ્લા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ગાંધીધામ – આદિપુર રેલવે વિભાગના મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટનું રૂ. ૧૫૨ કરોડના ખર્ચે ઈ-લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા વાવ થરાદ ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કચ્છના પ્રભારી મંત્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી રેલવે, ઉડ્ડયન સહિત ક્ષેત્રોમાં વિશ્વકક્ષાની સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ બની છે. આજે ભારત દેશ ઝડપથી ફાટકમુક્ત બની રહ્યો છે. રેલવે અને રેલવે સંબંધિત સુવિધાઓના રખારખાવ અને નિર્માણમાં ભારત દુનિયામાં અગ્રેસર બન્યું છે. ભૂકંપ પછી કચ્છના સર્વાંગી વિકાસનો શ્રૈય તેઓએ વડાપ્રધાનશ્રીને આપતા જણાવ્યું હતું કે, સરહદ સુધી નિર્ભિકપણે પ્રવાસનો વિકાસ થયો છે. સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી આજે અનેક પ્રજાલક્ષી વિકાસના કામોની ભેટ નાગરિકોને મળી છે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ આ પ્રસંગે કચ્છની જનતાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ હંમેશા કચ્છ માટે પ્રેમ દાખવીને અનેક વિકાસલક્ષી કામોની ભેટ આપી છે. રાજ્યમાં વિવિધ કામોના લોકાર્પણ થવાથી જનસુખાકારીમાં વધારો થશે તેમ જણાવીને શ્રી ત્રિકમભાઈ છાંગાએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનથી જ આજે ભારતીય રેલવેનું આધુનિકીકરણ શક્ય બન્યું છે. સામાન્ય નાગરિકથી માંડીને તમામ વર્ગના લોકો માટે રેલવેનો પ્રવાસ વધુ આરામદાયક અને વિશ્વસનીય બન્યો છે. કચ્છના વિવિધ પ્રોજેક્ટ માટે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓના પ્રયાસોને તેઓએ બિરદાવ્યા હતા.
માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે એ ગાંધીધામ – આદિપુર રેલવેના મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને કચ્છના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવીને ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટથી કાર્ગો ફેસિલિટી વધુ ઝડપથી અને સસ્તી બનશે. નવી માળખાકીય સુવિધાઓથી નવી ટ્રેન સુવિધાઓના સંચાલન સહિતની બાબતોની સંભાવનાઓ વાસ્તવિક બનશે તેમ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીધામ – આદિપુર મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા કચ્છ જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપતો ગાંધીધામ – આદિપુર મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ ૧૧ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. અંદાજિત રૂ. ૧૫૨ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ મલ્ટી-ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ કચ્છ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે એક મહત્વનું કદમ છે. દીનદયાળ પોર્ટ અને મુન્દ્રા પોર્ટને જોડતી રેલવે લાઈનની ક્ષમતા વધવાથી રેલવે કાર્ગો ફેસિલિટી વધશે. નવા ટ્રેકના ઉપલબ્ધ થવાથી ટ્રેનોનું સંચાલન વધુ ઝડપી અને વિશ્વસનીય બનશે. કચ્છના ઔદ્યોગિક એકમો સાથે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. દીનદયાળ બંદર પરથી આયાત-નિકાસ થતા માલસામાનની ઝડપી નિકાસ સુનિશ્ચિત થશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો આવશે. કચ્છના ખેડૂતો અને કૃષિ-આધારિત ઉદ્યોગોને સીધો લાભ મળશે. કૃષિ ઉત્પાદનો, મીઠું અને સંબંધિત વસ્તુઓનું પરિવહન હવે વધુ ઝડપી અને સસ્તું બનશે. વધારાની પેસેન્જર અને માલગાડી સેવાઓના સંચાલનની ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી પ્રાદેશિક વિકાસની સાથે-સાથે ગુજરાત અને ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બળ મળશે.ગુજરાતના રૂ. ૯૦૦ કરોડના રેલવે પ્રોજેક્ટ્સની ઝલક વાવ થરાદ ખાતે આયોજિત કાર્યક્રમમાંથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મહત્વના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ અને શુભારંભ કરાવ્યો હતો.
૧. ઉદ્ઘાટન: હિંમતનગર – ખેડબ્રહ્મા રેલવે લાઇન (અંદાજિત ખર્ચ રૂ. ૪૮૨ કરોડ, ૫૫ કિમી લંબાઈ).
૨. ખેડબ્રહ્મા – હિંમતનગર – અમદાવાદ (અસારવા) વચ્ચે નવી રેલવે સેવાનો પ્રારંભ.
૩. કાનાલુસ – જામનગર રેલવે ખંડનું ડબલિંગ તેમજ ગાંધીધામ – આદિપુર રેલવેનું મલ્ટી-ટ્રેકિંગ ભારતીય રેલવે ગુજરાતના માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીને સુધારવા માટે સતત કાર્યરત છે. વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પિત અને ખાતમૂહુર્ત થયેલા પ્રોજેક્ટ્સ માત્ર પરિવહન વ્યવસ્થાને જ સુદ્રઢ નહીં કરે, પરંતુ રોજગારીની નવી તકો ઊભી કરી પ્રાદેશિક આર્થિક વિકાસમાં પણ સિંહફાળો આપશે.આ પ્રસંગે કચ્છના અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી સવજીભાઈ ચૌધરી, શ્રી તેજાભાઈ કાનગડ, અંજાર પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ચૌધરી, ગતિશક્તિ ચીફ પ્રોજેક્ટ મેનેજરશ્રી લોકેશ કુમાર, ગાંધીધામ રેલવેના એઆરએમશ્રી આશિષ ધાનિયા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના વિવિધ પદાધિકારીશ્રીઓ, રેલવે ટ્રેડ યુનિયનના પ્રતિનિધિશ્રીઓ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
















