BODELICHHOTA UDAIPUR

ઝોઝ પોલીસની સંવેદનશીલતા જમ્મુ-કાશ્મીરથી ૭૪ વર્ષીય વૃદ્ધને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી વૃદ્ધને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન છોટાઉદેપુર જિલ્લાની ઝોઝ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા, જમ્મુ-કાશ્મીરમાંથી એક ગુમ થયેલ વૃદ્ધને શોધી કાઢી તેમના પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. આ કામગીરીને પગલે પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો દ્વારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે ​ગત તારીખ 13/03/2026 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના બાંડીભીંત ગામના રહેવાસી ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉંમર વર્ષ 74) રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. પરિવારજનોની ફરિયાદના આધારે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી ​વૃદ્ધની ઉંમર અને પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ગુમ થયેલ વ્યક્તિની વિગતો અને ફોટોગ્રાફ્સ ગુજરાત સહિત અન્ય રાજ્યોના પોલીસ સ્ટેશનો અને સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.​તપાસ દરમિયાન જમ્મુ-કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં એક અજાણ્યા વૃદ્ધ મળી આવ્યા હતા. ત્યાંની સ્થાનિક પોલીસે તપાસ કરતા ઝોઝ પોલીસ સ્ટેશનની વિગતો પ્રાપ્ત થઈ હતી, જેના આધારે તાત્કાલિક ઝોઝ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.​માહિતી મળતાની સાથે જ ઝોઝ પોલીસ સ્ટેશનની એક વિશેષ ટીમ તાત્કાલિક જમ્મુ-કાશ્મીર રવાના થઈ હતી. ત્યાંથી ચીમનભાઈ રાઠવાને સલામત રીતે કબજો મેળવી, સેંકડો કિલોમીટર દૂર વતન પરત લાવવામાં આવ્યા હતા. વૃદ્ધ પિતાને સહીસલામત જોઈને પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!