GUJARATKUTCHMANDAVI

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને કચ્છમાં હથિયારબંધીનો આદેશ.

શસ્ત્ર સાથે ફરવા પર પ્રતિબંધ: શાંતિપૂર્ણ ચૂંટણી માટે પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જાહેરનામું જારી કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૦૬ એપ્રિલ : આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો રાજ્ય ચૂંટણી આયોગના તા.૦૧/૦૪/૨૦૨૬ વાળા પરિપત્રથી જાહેર થઈ છે અને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી થનાર છે. આ ચૂંટણીઓ દરમિયાન કચ્છ જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે, મતદારો પોતાના મતનો ઉપયોગ મુક્ત અને નિર્ભય રીતે કરી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઈ વિક્ષેપો ઉભા ન થાય તે હેતુથી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા શસ્ત્ર ધારણ કરી ફરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

 

આ હુકમ અન્વયે કચ્છ જિલ્લામાં ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મતદાર વિસ્તારમાં અપવાદ સિવાયના કોઈપણ વ્યક્તિને શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઈપણ શસ્ત્ર ધારણ કરી ફરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હથિયાર પોતાના રહેઠાણના સ્થળે સેફ કસ્ટડી (SAFE CUSTODY)માં રાખવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, જામીન પર છૂટેલા વ્યક્તિઓ, ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ, અગાઉ કોઈપણ સમયે ખાસ કરીને ચૂંટણીના સમયગાળા દરમિયાન રમખાણોમાં સંડોવાયેલા હોય તેવી વ્યક્તિઓ, અને કોઈપણ પ્રકારના ચૂંટણીલક્ષી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવી વ્યક્તિઓએ ધારણ કરેલા હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યક્તિગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથિયાર જે-તે પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામને અધિકૃત કરવામાં આવ્યા છે.

આ પ્રતિબંધાત્મક આદેશમાંથી અમુક ચોક્કસ વર્ગોને અપવાદરૂપ ગણી મુક્તિ આપવામાં આવી છે. જેમાં ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલી છે તેઓનો સમાવેશ થાય છે. આ સાથે તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઈઝ, પોર્ટ, રેલવે અને સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ મુક્તિ અપાઈ છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ (બેન્ક કોર્પોરેશન સહિત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો હેરફેર કરવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. વધુમાં ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શિયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે, આવા સિક્યુરીટી ગાર્ડે તેઓ જે એજન્સી કે એકમમાં ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી કે એકમનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી કે એકમના અધિકૃત અધિકારીશ્રીએ આવા સિક્યુરીટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. આ ઉપરાંત, શૂટીંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે તેમને પણ આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.  કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો અમલ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

Back to top button
error: Content is protected !!