દેશની જેલોમાં મહિલા કેદીઓ સાથે રહેલ નિર્દોષ માસૂમ બાળકોની વ્યથા – નિવૃત્ત જેલર એમ.એમ.દવે સાબરમતી સેન્ટ્રલ જેલ

તા.09/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

“અબળા તેરી યેહી કહાની આંચલ મેં દૂધ ઔર આંખો મેં પાની” પણ પરિવર્તન સંસારનો નિયમ છે, છેલ્લા બે ત્રણ દશકામાં નારી વધુ શિક્ષિત બની છે હવે તો આજની ભારતીય નારી દેશની રાષ્ટ્રપતિ બની દેશની પ્રથમ નાગરિક બની શકે છે નારી અવકાશયાનમાં જઈ શકે, નારી હવે તો UPSC પાસ કરી આઈ.એફ.એસ. કે આઇ.પી.એસ કે, આઈ.એ.એસ બની શકે છે નારી હવે આર્મી, નેવી કે હવાઈ જહાંઝનું સુકાન સાંભળી દુશ્મન દેશ સાથેના યુધ્ધમાં ભાગ લઈ શકે છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે આમ આજની નારી શિક્ષણ ક્ષેત્રે રાજનીતિમાં વિજ્ઞાન ક્ષેત્રે, કોર્પોરેટ દુનિયામાં કે ગીત સંગીત અને ફિલ્મ દુનિયામાં ટોપ કક્ષાએ છે ખાસ તો પત્રકારત્વમાં પણ મહિલાનો ડંકો વાગે છે એ બહુ ખુશીની વાત છે આજની નારીને સલામ છે પરંતુ ઉપરનું આટલું બધું સ્વીકાર્યા બાદ
મહિલાઓની થોડી કઠોર પણ સાચી વાતો કર્યા વિના નહીં રહી શકું કે, છેલ્લા બે દશકામાં ક્રાઈમની દુનિયામાં પણ મહિલાઓએ કાઠું કાઢ્યું છે દેશ અને ગુજરાતની જેલોમાં મહિલા કેદીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ભૂતકાળમાં ગુજરાત ની જેલોમાં કુલ ટોટલ મહિલા કેદીઓની સંખ્યા ૯૦ થી ૧૦૦ જેટલી રહેતી હતી જે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મહિલા કેદીઓની સંખ્યા ૯૦૦ થી ૧૦૦૦ સુધી પહોંચી ગઈ છે. દેશની જેલોમાં લગભગ ૬૦,૦૦૦ સુધી મહિલા કેદીઓની સંખ્યા આંબી ગઈ છે. સામાન્ય પ્રજાને એવો સવાલ થાય કે શું મહિલાઓ ક્રાઈમ કરે ખરી! મહિલાઓ પણ જેલમાં હોય? હવે મહિલાઓ એવા ક્રાઈમ કરે છે કે મહિલાઓ માટે સરકાર દ્વારા વડોદરા અને અમદાવાદ સાબરમતી ખાતે નવું સ્પેશ્યલ મહિલા જેલો બનાવવી પડી છે. મહિલાઓ નાની મોટી ચોરી, અમદાવાદ જેવા શહેરમાં સીટી બસ અને મેટ્રો ટ્રેનમાં પોકેટ અને મોબાઇલ ચોરીમાં પુરુષો કરતા મહિલા વધુ સક્રીય છે. દેશના નાના માસુમ બાળકોની તસ્કરી જેવા ગંભીર ગુન્હાઓમાં મહતમ ૯૯ ટકા મહિલાઓની સંડોવણી હોય છે દેશમાં અને રાજ્યમાં સતત વધી રહેલ ડ્રગ્સના દુષણમાં ડ્રગ્સની હેરાફેરી માટે પેડલર તરીકે આંતર રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે મહિલાઓનું યોગદાન પુરુષો કરતા પણ વધારે છે. પોતાના અંગો ઉપર છુપાવી ગુપ્ત રીતે દારૂ અને ડ્રગ્સની ખેપ મારવામાં મહિલાઓનો ફાળો જોવા મળે છે. મારે ખાસ કહેવું પડે છે આવા ક્રાઇમમાં સંડોવાયેલ દરેક મહિલાઓ ગરીબ મજબૂર લાચાર જ હોય એવું બિલકુલ નથી પણ શિક્ષિત અને ચાર ચાર બંગડીવાળી ગાડીવાળી મહિલાઓ આવી ગેર પ્રવૃતિઓમાં સક્રિય હોય છે. સોશ્યલ મીડિયા દ્વારા હનિટ્રેપ અને બ્લેકમેઇલ જેવા સાયબર ક્રાઇમ ના વધી રહેલ ગુન્હામાં પ્રમાણમાં પુરુષો સાથે સ્ત્રીઓ પણ સંડોવાયેલી હોય છે. ઉપરાંત સત્તત વધી રહેલ લગ્નેતર સબંધોના લીધે પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખવાની ઘટનાઓ તો સમયાંતરે બની રહી છે, પણ પૂર્વ પ્રેમી સાથે નાસી જવા માટે પોતાના જ સંતાનોના ગળા મરડી નાખતી આદર્શ નારી આટલી ઘાતકી કેવી રીતે બને શકતી હશે?આઈપીસી ૪૯૮ એટલે કે દહેજ પ્રથા અને સાસુ અને પુત્રવધૂના ઘરકંકાશ અને નણંદ ભોજાઈના કજિયાના લીધે હત્યા અને આત્મ હત્યાની ઘટનાઓનાલીધે
આજીવન કેદની સજા ભોગવતી મહિલાઓની સંખ્યા ઓછી નથી.અનેક મહિલાઓ જેલોમાં સબડે છે. હવે તો આતંકવાદી પ્રવૃતિઓમાં પણ શાહીન જેવી સ્ત્રીઓ સંડોવાયેલી હોય છે. પણ હું પુરુષોની તરફેણ નથી કરતો ક્રાઈમની દુનિયામાં દબદબો તો પુરુષોનો છે. આજે પણ જેલોમાં પુરુષોની સંખ્યા તો સ્ત્રીઓથી અનેક ગણી વધુ છે, પણ મહિલાઓ ક્રાઈમની દુનિયામાં પણ પુરુષ સમોવડી થવા ઝડપભેર આગળ વધી રહી છે એ કઠોર સત્ય સમાજ માટે દેશ માટે લાલબત્તી છે. પણ મારે મારા અનુભવના આધારે રાજ્ય અને દેશની જેલોમાં મહિલા કેદીઓ સાથેના નાનાભૂલકાંઓની સંવેદનશીલ વાત કરવી છે. કે ભગવાન કૃષ્ણનો જન્મ ભલે મથુરા કારાગૃહમાં થયો હતો પરંતુ કૃષ્ણને તો જન્મતા જ પિતા વસુદેવજી મથુરાની જેલમાંથી શિફટ કરી ગોકુળધામ નંદયશોદાના આંગણે મૂકી આવ્યા હતા. પણ પ્રવર્તમાન સમયમાં જેલમાં આવતી મહિલાઓ સાથેના માસુમ બાળકોને ગોકુળ મુકવા જવાની કોઈ જોગવાઈ નથી. ગુજરાતની અને દેશની જેલોમાં ઘણા નિર્દોષ અને માસુમ બાળકો પોતાની માતા સાથે જેલવાસ ભોગવી રહ્યા છે કોઈ સ્તનપાન કરતું કે બે ત્રણ વર્ષનું બાળકની માતા કોઈ ક્રાઈમ કરતા પોલીસ દ્વારા પકડાઈ જાય ત્યારે એ બાળક પણ એની સાથે જેલમાં આવે છે. ઘણીવાર તો સગર્ભા અવસ્થામાં પણ કોઈ મહિલાને હત્યા કેસ ૩૦૨ જેવા ગંભીર આરોપમાં જેલમાં આવવાનું બને તો જેલમાં લાંબો સમય રહેવાનું થાય તો ઘણીવાર આવી સગર્ભા મહિલા કેદી કસ્ટડીમાં કે સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપે એવી ઘટનાઓ પણ જેલ દફતરે નોંધાયેલ છે. એક ઘટનાની વાત કરું તો આશરે ૧૯૮૩ના વર્ષ દરમ્યાન વડોદરા સેન્ટ્રલ મહિલા જેલમાં એક મહિલા બાળકને જન્મ આપનાર હતી તે દિવસે મહિલા જેલ સ્ટાફ સાથે મહિલા તબીબી અધિકારી અને જેલ સુપ્રિ. સહિત બધા પુરી રાત હાજર રહેલ હતા. આખરે વડોદરા કારાગૃહમાં મહિલા કેદીએ મોડી રાત્રે પુત્રને જન્મ આપ્યો ત્યારે થોડીવાર તો મહિલા જેલમાં મહિલા બંદીવાનોમાં નંદ ઘેર આનંદ ભયો જેવું વાતાવરણ થયું એ મહિલા કેદીના આગ્રહથી જેલ સુપ્રિ.શ્રી રોચલાણી સાહેબ દ્વારા એ જેલમાં જન્મનાર માસુમનું નામ “કૃષ્ણ ” રાખવામાં આવેલ હતું . સુપ્રિ.શ્રી તરફથી જેલમાં તમામ મહિલા બંદીવાનોને પોતાના ખર્ચે પેંડા મગાવી મીઠું મોઢું કરાવ્યું હતું ત્યારે જેલમાં ઘડીભર ખુશીની લહેર જોવા મળી પણ જન્મ સમયે પોતાની માતા પોલીસ કસ્ટડીમાં કારાવાસમાં હોય અને જેલમાં જન્મ લેવો પડે એનાથી વધુ કમનસીબી બીજી શું હોઈ શકે! આ ઘટનાને ભયંકર દુખદ ઘટના જ કહી શકાય ખુશીની હરગીઝ નહી ખૈર ભલે ગુજરાત રાજ્યની જેલોમાં મહિલા બંદીવાનો માટે એક્સ્ટ્રા સુવિધા હોય છે. જેમ કે મહિલા જેલમાં મહિલા બંદીવાનો બહારની દુનિયા કરતા પણ વધુ સલામત હોય છે. મહિલા જેલમાં કોઈ પુરુષ એલાઉ જ નથી જેલર કે સુપ્રિ.ને પણ મહિલા જેલમાં રાઉન્ડમાં જવાનું થાય ત્યારે મહિલા સ્ટાફને સાથે રાખવો પડે છે. સ્ત્રી બંદીવાનો માટે માથું ધોવા માટે સ્પેશ્યલ સાબુ, હેર ઓઇલ જો મહિલા જેલમાં આવે તો તેના અંગ ઉપર દાગીના જેવી ચીજ વસ્તુ જમા કરવામાં આવે પણ પરણિત મહિલા ઈચ્છે તો મંગલસૂત્ર પહેરવાની છૂટ હોય છે.મહિલા બંદીવાનો માટે યોગના વર્ગો પણ ચાલે છે ઉપરના બ્યુટીપાર્લર અને દરજી કામના વર્ગો પણ મહિલાઓ માટે ચાલતા હોય છે.મહિલા તબીબની વ્યવસ્થા પણ હોય છે જરૂરિયાત મુજબ સેનેટરી નેપકીનની વ્યવસ્થા પણ હોય છે. મહિલા સાથેના બાળકો માટે ખાસ સુવિધા હોય છે બાળકો માટે તબીબી સારવાર ઉપરાંત રસીકરણની વ્યવસ્થા સાથે એક્સ્ટ્રા ડાયેટ તરીકે દૂધ બિસ્કિટ અને ફ્રૂટની સુવિધા હોય છે. રમકડા અને ઘોડિયાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે બહારથી ઘણી સંસ્થાઓ આવા બાળકો માટે શિયાળામાં ખાસ ગરમ કપડા જેવી વ્યવસ્થા પણ કરે છે. અમદાવાદની એક “યોગક્ષેમ” નામે સંસ્થા તો જેલમાં રહેલ આવા બાળકોને બાગ બગીચે ફરવા લઈ જાય છે. ત્યાં આખો દિવસ પિકનિક સાથે આનંદ કિલ્લોલ કરી રમાડી જમાડી નવા કપડાં બુટ ચપ્પલ નાસ્તા રમકડા સાથે સાંજે જેલ બંધીના સમય પહેલા જેલ પ્રશાસન મારફત એની માતાને પરત સોંપી જાય છે.આવા બાળકો માટે જેલમાં આંગણવાડીની વ્યવસ્થા પણ હોય છે સરકારી રાહે બહારથી શિક્ષિકા પણ આવે છે જે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પણ કરાવે છે. જેલમાં રહેલ આ બાળકો માટે સરકાર દ્વારા તેમજ ઘણી સંસ્થાઓ દ્વારા શકય હોય એટલી સુવિધા ઉપલબ્ધ કરાવવાની કોશિસ કરવામાં આવે છે. પણ જેલની તોતિંગ ચાર દીવાલો વચ્ચે અને અલીગઢના તાળાંમાં રહેવાની સ્થિતિ બાળકો માટે અતિ દયનીય હોય છે. દુઃખની વાત એ છે કે ઘણીવાર સાવ નાના નિર્દોષ બાળકોને ખબર નથી હોતી કે પોતે ક્યાં છે પણ થોડા મોટા થયા બાદ એ સવાલો કરે છે કે પોતે જેલમાં કેમ છે તો એનો જવાબ કોઈ પાસે નથી હોતો .ખરેખર બાળકોનો તો કોઈ દોષ હોતો જ નથી એનો દોષ એટલો જ કે એનો જન્મ મહિલા ગુન્હેગારની કુખે થયો છે આખો દિવસ તો આવા બાળકો સમગ્ર મહિલા જેલમાં અન્ય મહિલા કેદીઓ સાથે કે સ્ટાફની મહિલા કર્મચારી સાથે સમય પસાર કરી લે પણ ખાસ તો બપોરે બારથી ત્રણ અને સાંજે ૬.૦૦ થી સવારના ૬.૦૦ ટોટલ પંદર ક્લાક સુધી આવા માસુમ બાળકોને માતા સાથે બેરેકમાં બંધ કરી તાળું મારવાનું કામ મહિલા કર્મચારીઓ માટે ઘણું કઠોર બની જાય છે. સાવ નાનું બાળક કદાચ એની માતા સાથે રહે તો એને બહુ ખબર ન પડે કે પોતે જેલમાં છે પણ ત્રણથી છ વર્ષના બાળકોની હાલત બહુ જ દયનીય હોય છે. સંવેદન શીલતાની પરાકાષ્ઠા તો ત્યારે આવે કે જેલમાં જન્મેલ બાળક અથવા ત્રણ ચાર વરસ સુધી માતા સાથે જેલમાં રહેલાં બાળકને જેલ મેન્યુઅલના નિયમો અનુસાર છ વરસની ઉમર સુધી જ જેલમાં રાખી શકાય ત્યારબાદ એને પોતાના પરિવારમાં જો કોઈ સંભાળી શકે એમ હોય તો તેને સોંપવામાં આવે છે. પણ જો કોઈ સ્વીકારે એમ ન હોય ત્યારે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કોઈ સરકારી સંસ્થાને સોંપવાનું થાય છે.ત્યારે બાળકને એની માતાથી અલગ કરવાની પ્રક્રિયા બહુ જટીલ હોય છે. બાળકનું કરુણ રૂદન સાથે એની માતાનું હૃદય ચીરી નાખે એવું આક્રંદ મજબૂત ખાખી કર્મચારીઓની આંખો પણ ભીની કરી નાખે છે. મહિલા જેલમાં જન્મેલ કે રહેલ બાળક સાથે અન્ય મહિલા કેદીઓને પણ માયા બંધાઈ ગઈ હોય છે બધાના ખોળે બાળક રમીને મોટું થયું હોય છે. એટલે આ બાળકને જ્યારે જેલ બહાર મોકલવાનું થાય ત્યારે બાળક જેલથી મુક્ત થતું હોવા છતાં જેલની મજબૂત કાળમીંઢ દીવાલો પણ જાણે રડતી હોય એવા દૃશ્યો મેં નજરે જોયા છે. ખૈર અમુક દિવસે આ બાળકની મુલાકાત તેની માતા સાથે કરાવવાની જોગવાઈ વ્યવસ્થા ભલે હોય છે. પણ રાજ્યની જેલોમાં પોતાની ગુન્હેગાર માતા સાથે રહેલ બાળકના જન્મ સ્થળ તરીકે જેલનો ધબ્બો લાગી જાય એનું શું? માટે મારી મહિલાઓને નમ્ર વિનંતી છે કે જીવનમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય એની તકેદારી રાખી આપણે ભારતીય આર્ય નારી છીએ એ કદી નહી ભૂલવુ જો. જીવનના એવા સંજોગો આવે તો સહન કરજો જતું કરજો, સંયમ રાખજો પણ નારી તું નારાયણી સૂત્ર હમેશા યાદ રાખવું.




