GUJARATKUTCHMANDAVI

હાજીપીર ખાતે યોજાનાર ઉર્ષમાં શંકાસ્પદ વસ્તુઓ લઈ જવા પર મનાઈ ફરમાવતું જાહેરનામું જારી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૦૯ એપ્રિલ : આગામી તા.૧૧/૦૪/૨૦૨૬ થી તા.૧૩/૦૪/૨૦૨૬ દરમિયાન હાજીપીર મુકામે હાજીપીરનો મેળો (ઉર્ષ) યોજવામાં આવનાર છે. આ મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર વર્ષે દર્શન માટે આવે છે જેના કારણે હાજીપીર પરિસરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્યના ધાર્મિક સ્થાનોની સુરક્ષા નજરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી હાજીપીર ધાર્મિક સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૭(૧) અન્વયે હુકમ કર્યો છે કે, તા.૧૧/૦૪/૨૦૨૬ ના સવારના ૬:૦૦ કલાકથી તા.૧૪/૦૪/૨૦૨૬ ના રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી હાજીપીર ખાતે આવેલી હાજીપીર દરગાહના સંકુલમાં પ્રસાદની વસ્તુ જેવી કે શ્રીફળ વગેરે DFMD/HHMD/ વ્યૂઅર મશીનથી ફરજ પરના પોલીસ કર્મચારીઓ ચેક કરી શકશે. આ બાબતે કોઈ વાંધાજનક કે શંકાશીલ વસ્તુઓ જણાશે તો લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં  આ હુકમ સરકારી નોકરી પર કામ કરતી વ્યક્તિ એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઈ વસ્તુ લઈ જવાની ફરજ હોય, અધિકૃત કરેલા કોઈપણ પોલીસ અધિકારીએ જેને અધિકૃત કરેલ હોય અને તે લઈ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારી અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિઓ પર લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષ કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.

Back to top button
error: Content is protected !!