
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૦ એપ્રિલ : આગામી ૨૬ ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ તાલુકા – જિલ્લા પંચાયતોની ચૂંટણી છે ત્યારે ચૂંટણી કામગીરીના હૂકમોને લઈને પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે ભુજના પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને તાલુકાના કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથારની આગેવાનીમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિમંડળે ભુજના પ્રાંત અધિકારી શ્રી એ.બી. જાદવને રૂબરૂ મળી શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. ખાસ કરીને જે મહિલા કર્મચારીઓ પ્રસૂતિ રજામાં છે, જે ધાત્રી માતાઓ છે તેમના હૂકમો રદ્દ કરવા ઉપરાંત ગંભીર માંદગીથી પીડાતા અને શારીરિક અશક્ત શિક્ષકોના પણ ચૂંટણીના ઓર્ડર રદ્દ કરવા, જે શિક્ષકો બી.એલ.ઓ. તરીકે ફરજ બજાવે છે તેમને પ્રિસાઇડિંગ અધિકારીના બદલે પ્રથમ મતદાન અધિકારી તરીકેના હૂકમો કરવા તેમજ જે શિક્ષકોને ૧૨ એપ્રિલના રોજ ટેટ હાયર સેકન્ડરીની પરીક્ષા આપવા બહાર જવાનું છે તેમના માટે તાલીમની તારીખોમાં ફેરફાર કરવા સહિતના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી શ્રી જાદવ સાહેબ દ્વારા શિક્ષક સંઘના હોદ્દેદારોની રજૂઆત પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કરવાની ખાતરી આપતા શિક્ષક સંઘ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો. રજૂઆતમાં બી.એલ.ઓ. તરીકે ફરજ બજાવતા સવાઈસિંહ સોઢા, રાણાજી જાડેજા, અનિલ રૂપારેલ, કિરણ મેરાઈ, સંદીપ બોડા, ચિંતન સોમૈયા, કિશોર જેઠી , રમેશ મહેશ્વરી, હિરેન પોપટ, બ્રિજેશ બુચ, આશિષ દામાણી, કમલેશ પ્રજાપતિ, રાજાભાઇ મહેશ્વરી સહિતના શિક્ષકો જોડાયા હતા.



