કાલોલ તાલુકા પંચાયતની ટિકિટ વહેંચણીમાં ભડકો: મલાવ બેઠકના ઉમેદવાર સામે ભાજપમાં બળવો ભાજપ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના સામૂહિક રાજીનામા.

તારીખ ૧૧/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ટિકિટ વહેંચણીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. તાલુકાની ‘મલાવ’ બેઠક જે સામાન્ય સ્ત્રી માટે અનામત છે, તેના પર ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સરપંચોની રજૂઆત છતાં અવગણનાનો આક્ષેપ સાથે મલાવ બેઠક હેઠળ આવતા મલાવ, ઉતરેડીયા, દેવપુરા અને સાલીયાવ ગ્રામ પંચાયતના સરપંચોએ અગાઉ સાંસદ અને ધારાસભ્ય સમક્ષ પોતાના વિસ્તારના સક્ષમ ઉમેદવારની માંગણી કરી હતી. તેમ છતાં, પક્ષ દ્વારા બહુમતી ગામોની જનભાવના અને માંગણીને નજરઅંદાજ કરી અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવતા વિરોધનો વંટોળ ઉભો થયો છે.
પાર્ટીના આ નિર્ણયથી નારાજ થઈને મલાવના સરપંચ અને કાલોલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જીગરભાઈ પટેલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે મલાવ શક્તિ કેન્દ્રના સંયોજક રવિન્દ્ર શાહે પણ પક્ષમાંથી છેડો ફાડ્યો છે. આ ઉપરાંત, બુથ પ્રમુખ રમેશભાઈ સોલંકી અને અજયભાઈ પરમારે પણ પોતાના રાજીનામા જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈને મોકલી આપ્યા છે.ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે આજે મલાવ ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સમર્થકો એકત્ર થયા હતા. સર્વ સંમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ બેઠક પરથી માનસીબેન પ્રણવભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. સભામાં હાજર સમર્થકોએ તેમને જંગી બહુમતીથી વિજયી બનાવવાના શપથ લીધા હતા.
જિલ્લા પંચાયતની બેઠક પર જોખમ?રાજકીય વિશ્લેષકોના મતે, તાલુકા પંચાયતની મલાવ બેઠક પર થયેલો આ ભડકો ભાજપ માટે ચિંતાનો વિષય છે. જો આ નારાજગી દૂર કરવામાં નહીં આવે, તો તેની સીધી અસર આગામી જિલ્લા પંચાયતની બેઠકના પરિણામો પર પણ પડી શકે છે. હાલ તો ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં કાર્યકરોનો બળવો પક્ષ માટે “કાચું કપાયું” હોય તેવી સ્થિતિ સર્જી રહ્યો છે.







