જૂનાગઢ જિલ્લામાં લોકશાહીના પર્વ સાથે પર્યાવરણના જતનનો સમન્વય : જિલ્લામાં ઠેર-ઠેર ‘ગ્રીન બૂથ’ આકર્ષણનું કેન્દ્ર બન્યા
કુદરતી વસ્તુઓ અને છોડ-રોપાઓથી સજ્જ મતદાન મથકોએ મતદારોમાં જગાવી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ

કુદરતી વસ્તુઓ અને છોડ-રોપાઓથી સજ્જ મતદાન મથકોએ મતદારોમાં જગાવી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
વંથલી, માણાવદર, વડાલ અને કેશોદ સહિતના કેન્દ્રો પર ‘ગ્રીન મતદાન મથકો’ દ્વારા અપાયો પ્રેરણાદાયી સંદેશ
જૂનાગઢ : લોકશાહીના મહાપર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવાની સાથે પર્યાવરણનું જતન કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિવિધ સ્થળોએ ‘ગ્રીન બૂથ’ (પર્યાવરણલક્ષી મતદાન મથકો) તૈયાર કરવામાં આવ્યા હતા, જે મતદારો માટે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે.
ત્યારે જિલ્લામાં ખાસ ઊભા કરવામાં આવેલા આ ગ્રીન મતદાન મથકોને પ્લાસ્ટિક કે આર્ટિફિશિયલ વસ્તુઓના બદલે કુદરતી તત્વો, છોડ અને રોપાઓ દ્વારા અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. મતદાન મથકની અંદરની આ પ્રાકૃતિક સજાવટને કારણે મતદાન કરવા આવતા નાગરિકોને ગરમીની સિઝનમાં પણ ઠંડક અને એક નવીન પ્રકારના આહલાદક અનુભવની અનુભૂતિ થઈ હતી. આ પ્રયાસ દ્વારા મતદારોને ‘લોકશાહીના જતન સાથે પ્રકૃતિનું જતન’ કરવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મુખ્ય મથકો પર પ્રાયોગિક ધોરણે તૈયાર કરાયેલા ગ્રીન બૂથોમાં વંથલીના શાપુર કુમાર પે સેન્ટર શાળા ખાતે આકર્ષક ગ્રીન બૂથ. માણાવદરના ખખાવી પ્રાથમિક શાળામાં પર્યાવરણલક્ષી સજાવટ.
જૂનાગઢ તાલુકાના વડાલ ગામની એ. જી. હાઇસ્કુલ ખાતે વિશેષ વ્યવસ્થા. મેંદરડાના માનપુર ખાતે કુદરતી વાતાવરણમાં મતદાનની સુવિધા. કેશોદના ચર ગામે કુમાર પ્રાથમિક શાળામાં ગ્રીન ડેકોરેશન. માંગરોળના ઢેલાણા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો.
તેમજ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા વરિષ્ઠ નાગરિકોથી લઈને પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોએ વહીવટી તંત્રના આ અભિગમને મુક્ત કંઠે વખાણ્યો હતો. મતદારોએ જણાવ્યું હતું કે, આવા વાતાવરણમાં મતદાન કરવું એ એક યાદગાર અનુભવ છે અને તેનાથી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો પણ અહેસાસ થાય છે.
આમ, જૂનાગઢ જિલ્લામાં આ ચૂંટણી માત્ર સત્તાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે જ નહીં, પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ એક જનજાગૃતિનું માધ્યમ બની રહી છે.




