
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, તા -02 મે :- જાપાન દેશની પ્રસિદ્ધ વિજ્ઞાન શિક્ષણ સંસ્થા”SAKURA” દ્વારા દર વર્ષે માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર -પ્રસાર અને વિકાસ માટે “સકુરા સાયન્સ એક્શન પ્રોગ્રામ” યોજવામાં આવે છે.આ કાર્યક્રમમાં ભાગીદારી કરવા માટે ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને જાપાન દેશના પ્રવાસે -મુલાકાતે મોકલવામાં આવે છે. પસંદ થયેલા આ વિદ્યાર્થી ઓ જાપાન ખાતે પરિસંવાદમાં ભાગીદારી કરે છે.ચાલુ વર્ષે સકુરા કાર્યક્રમ -2026 માટે સમગ્ર દેશમાંથી 56 જેટલા વિદ્યાર્થીઓને જાપાન પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.સમગ્ર કચ્છ જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવની વાત છે કે સમગ્ર જિલ્લામાંથી મોડેલ સ્કૂલ માધાપરની ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થી નિશા અરજણભાઈ આયર ની પસંદગી ભારત સરકાર દ્વારા જાપાનના પ્રવાસ માટે કરવામાં આવી છે.સમગ્ર જિલ્લામાંથી એક માત્ર મોડેલ સ્કૂલ માધાપર સરકારી શાળાની વિદ્યાર્થીઓની પસંદગી થતા શાળા પરિવાર, શિક્ષક મિત્રો ,માધાપર ગ્રામજનો અને જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદ સાથે ગૌરવને લાગણી ફેલાઈ છે.અત્રે ઉલ્લેખની છે કે આજ પ્રવાસ અને કાર્યક્રમ માટે આ જ શાળાની વિદ્યાર્થી ચારણ કોમલ અરવિંદભાઈ 2024 માં પસંદગી પામ્યા હતા અને જાપાન ખાતે સેમિનારમાં ભાગીદારી કરી હતી. સતત બીજી વખત આ પ્રકારની સિદ્ધિ મળતા માધાપર મોડેલ સ્કૂલનો શાળા પરિવાર ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો. જિલ્લાના શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે એક સરકારી શાળાએ સતત બીજી વખત મેળવેલી આ સિદ્ધિને બિરદાવી હતી તેમણે શાળાની વિદ્યાર્થીની નિશા આયરને રૂબરૂ બોલાવી પ્રવાસ અને સેમિનાર માટે શુભેચ્છા આપવાની સાથે આચાર્યશ્રી વિજયભાઈ કાલરીયા અને શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા.
સરકારી શાળાની સતત બીજી વખતની સિદ્ધિને બિરદાવતા જિ.શિ.અધિ. સંજયભાઈ પરમાર.
જાપાન ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની તારીખ 24 મે 2026 થી 30 મે 2026 દરમિયાન હાજરી આપશે અને આ સેમિનારમાં “વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીના અનુભવો” એ વિષય પર યોજનાર ચર્ચામાં ભાગીદારી કરશે ,તેવું શાળાના આચાર્ય વિજયભાઈ કાલરીયા એ જણાવ્યું હતું.તેમણે આ સિદ્ધિ સમગ્ર કચ્છના શિક્ષણ જગતની સિદ્ધિ ગણાવી હતી.તેમણે આ માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી મળેલા માર્ગદર્શન બદલ આભાર ની લાગણી પણ વ્યક્ત કરી હતી.ધોરણ 10 -12 પરિણામ ની ટકાવારીમાં થતો સતત સુધારો,સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં મળતી સિદ્ધિઓ ,રમત ગમત ક્ષેત્રની સફળતાઓ, નીટ પરિક્ષા નાં પરિણામો, શાળાનું શિસ્ત, પર્યાવરણીય સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ થી જિલ્લામાં નામના મેળવી ચૂકેલી સરકારી મોડેલ સ્કૂલ માધાપર શાળાને મળેલી આ મોટી સિદ્ધિ ના લીધે તેમની સફળતાઓમાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે. આ સીધી બદલ સમગ્ર જિલ્લામાંથી શાળા પરિવારને અભિનંદન મળી રહ્યા છે.





