
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૫ મે : વર્તમાન સમયમાં દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોય છે કે ભલે અમે ઓછું ભણ્યા પણ અમારું બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે કે જેથી અમે જે મુશ્કેલીઓ વેઠી છે તેવી મારા પુત્ર-પુત્રીને ન પડે. પરંતુ કુદરત આગળ માનવજીવન પામર છે, જ્યારે ઘરની કમાનાર વ્યકિત અવસાન પામે છે, ત્યારે પરિવાર પર જાણે કે આફત આવી પડતી હોય છે. એટલું જ નહીં પણ બાળકના શિક્ષણ અને ભરણપોષણની જવાબદારી ખુબ અગત્યનું પાસુ બની જાય છે. એવામા જ્યારે માતા-પિતા બન્નેના અવસાનથી પરિવારના બાળકો નોંધારા અને ઓશયાળા બની જતા હોય છે. આવા બાળકોના કુટુંબ-સગાવ્હાલા હોય તેવા બાળકોને સમાજ સુરક્ષા ખાતા હસ્તકના જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એક્મ દ્રારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે .
પાલક માતા પિતા યોજનાનો લાભ માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય તેવા બાળકોને અથવા પિતાનુ મૃત્યુ થયેલ હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય પરંતુ બાળકો અન્ય સગાવ્હાલા સાથે રહેતા હોય અને આંગણવાડી કે શાળામાં અભ્યાસ કરતા હોય તેવા બાળકોને ૧૮ વર્ષની વય સુધી આ યોજનાનો લાભ મળે છે.
માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો શિક્ષણથી વંચિત ના રહે અને સારામાં સારું શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત સમાજ સુરક્ષા ખાતાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આવા બાળકો માટે રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજનાની અમલવારી જિલ્લા કક્ષાએ કરવામા આવે છે.
આ યોજનામાં દર માસે રૂ. ૩૦૦૦/-(અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) સહાય, બાળક અને પાલક માતાના સંયુક્ત બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર મારફતે સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. કચ્છ જીલ્લામાં હાલે કુલ-476 લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ રહયા છે.
જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા આ યોજનાનો લાભ આપવા અરજદારના ઘરની રૂબરૂ મુલાકાત કરવામાં આવે છે તેમજ અરજી સાથે જોડવાના તમામ સાઘનિક કાગળો તૈયાર કરાવી અરજી મેળવવામાં આવે છે તેમજ આ યોજનાનો લાભ મેળવવા ઓનલાઇન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પણ કરી શકે છે.
જીલ્લાની સ્પોન્સશરશીપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમિટિ (SFCAC) દ્રારા આ અરજીઓ મંજુર કરવામાં આવે છે. આ કમિટિમાં અઘ્યક્ષ તરીકે શ્રી ડી.જે.દેસાઇ, જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી-ભુજ, સભ્ય તરીકે બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી રીટાબેન અઘ્યારુ, સ્વૈચ્છીક બાળ સંભાળ ગૃહના પ્રતિનિઘિશ્રી નેહા હાંડા, વિશિષ્ટ દત્તક સંસ્થાના મેનેજર શ્રી એમ.આર.ચુડાસમા અને કમિટિના સભ્ય સચિવ તરીકે જીલ્લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી વિપુલ ડોરિયા દ્રારા કાર્યવાહી કરવામાં આવે છે
વઘુમાં જણાવતા સભ્ય સચિવશ્રી,જીલ્લા બાળ સુરક્ષા એકમ અને જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી દ્રારા જણાવેલ કે, પાલક માતાપિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીઓના ૧૮ વર્ષ પૂર્ણ થયા બાદ લગ્ન કરવામાં આવે તો યોજનાની લાભાર્થી દિકરીને લગ્ન સહાય તરીકે રાજય સરકારશ્રી દ્રારા રૂ.૨,૦૦,૦૦૦/- (બે લાખ પૂરા) ની પણ સહાય ચુકવવામાં આવે છે. આ યોજના હેઠળ કચ્છ જીલ્લામાં આજ દિન સુઘી કુલ-૨૬ દિકરીઓને સહાય ચુકવવામાં આવેલ છે. આ યોજનાની લાભાર્થી દિકરીઓએ લાભ મેળવવા ઓનલાઇન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પણ કરી શકે છે તેમજ વઘુ માહીતી માટે જીલ્લા બાળ સુરક્ષા એકમ,કચ્છ, ૪૦૧, બહુમાળી ભવન, ભુજ અને જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રીની કચેરી, જુની મામલતદાર કચેરી, મુન્દ્રા રોડ, ભુજ ખાતે સંપર્ક કરી શકે છે.



