SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

ગુન્હેગાર જન્મે છે કે ગુન્હેગાર બને છે ? – એમ.એમ.દવે ( નિવૃત જેલર )

તા.14/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સામાન્ય લોકો વચ્ચે ચર્ચાતો સવાલ કે આટલા બધા ગુન્હેગારો ક્યાંથી આવે છે ! ગુન્હેગાર જન્મે છે કે ગુન્હેગાર બને છે ? મારા જેલર તરીકેના સ્વાનુભવ ઉપરથી કહું તો બન્ને વિકલ્પ સત્ય પણ છે અર્ધસત્ય પણ છે. ગુન્હેગાર જન્મે પણ છે નવા નવા ગુન્હેગાર બને પણ છે. તો સૌ પ્રથમ તો ગુન્હેગાર એટલે શું ! તો સામાન્ય વ્યાખ્યા એ કે સરકારે બનાવેલ કાયદા કાનૂનનો જે વ્યક્તિ જાણે અજાણે ભંગ કરે તેને ગુન્હેગાર કહેવાય છે થોડેઘણે અંશે તો આપણે માનવી માત્ર ભૂલને પાત્ર કોઈ માણસ સો ટચ સોનુ ક્યારેય ન હોઈ શકે એટલે આપણે બધા નાના મોટા ગુન્હેગાર તો છીએ જ ! શિક્ષિત લોકો વ્હાઈટ કોલર ઓન લાઇન ચિટીંગ કે સાયબર ફ્રોડ કરી લોકોને લાખોનો ચૂનો લગાવે છે અને અભણ અને કહેવાતા ગરીબ ગુન્હેગાર ચોરી કે લૂંટફાટ કરી લોકોની તિજોરી સાફ કરી નાખે છે. એટલે મારી દૃષ્ટિએ તો ગુન્હેગારની કોઈ ચોકસ ઓળખ હોતી જ નથી. જન્મજાત પણ હોય છે નવા ગુન્હેગાર બનતા પણ હોય છે. બન્ને પ્રકારના ગુન્હેગારો અસ્તિત્વમાં હોય છે.ઘણા ગરીબ લોકો કાળી મજૂરી કરે છતાં અસામાજિક પ્રવૃત્તિ ન  કરે અને કોઈ શ્રીમંત ઘરના સંતાનો પણ નિશાચર હોય શકે હોય પણ દરેક કિસ્સા માં આવુ લાગુ ન પડે. ઘણા લોકો નકારાત્મક હિંમતનો અભાવ સમાજમાં આબરૂ જવાની બીક જેવા અન્ય કારણોસર પણ ગુન્હો કરતા ડરે છે. મેં એવા અધિકારી પણ જોયા છે જેને પૈસાની લાલચ હોય છે પણ ઉપર જણાવેલ કારણોસર કરપશન કરી શકતા નથી પણ બીજાને ભ્રસ્ટાચાર કરતા જોઈને અંદરથી બળી જાય છે. જન્મજાત ગુનેગારની વ્યાખ્યા તદ્દન ભિન્ન છે. જેનો સંબંધ સાયેન્ટીફીક છે. જેને જિનેટિક ક્રિમીનલ તરીકે ઓળખવામાં આવે છે. જન્મજાત ગુનેગારની વ્યાખ્યામાં આનો સમાવેશ કદાચ થાય નહી. કેમ કે સામાન્ય ગુન્હેગાર સંજોગો્ વાશત અથવા કોઈ ઉપાય થકી સુધરી શકે. જિનેટિક ( જન્મજાત ) ગુનેગારને સુધારવા કોઈ ફોર્મ્યુંલા કામ આવતી નથી. જિનેટિક ક્રિમીનલ  વસ્તી ના 1 % કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુન્હેગાર જન્મે છે એવું ક્યારે કહી શકાય ! કે ઘણા પતિ પત્ની બન્ને અંધારી આલમ સાથે વારસાગત સંકળાયેલા હોય કાયદા કાનૂનનો સરેઆમ ભંગ કરી ગેરપ્રવૃતિઓ કરવા કાયમી ટેવાયેલા હોય છે. ઘણા એવા પરિવાર હોય છે કે ઘરના બધા સભ્યો દારૂ, ડ્રગ્સ, ચરસ ગાંજો જેવા કેફી દ્રવ્યોના કાળા કારોબાર સાથે જોડાયેલા હોય અથવા નાની મોટી ચોરી, લૂંટફાટ કે ખિસ્સા કાતરૂ કે ખાસ કરીને બાળ તસ્કરી કે ડ્રગ્સ પેડલર જેવા ગંભીર ગુન્હામાં આજીવન જોડાયેલા હોય છે. ઘણીવાર પોલીસ સાથે મિલી ભગત કે રાજકીય પીઠબળ પણ હોય છતાં ઇમાનદાર પોલીસ દ્વારા સંખ્યાબંધ પોલીસ કેસો પણ એમની વિરૂધ્ધમાં નોંધાયેલા હોય છે. આવા પતિ પત્નીના ઘેર પેદા થતા સંતાનોને ગળથૂથીમાં કે વારસામાં ક્રાઈમ મળે છે, નાના હોય ત્યારથી ઘરનો માહોલ એવો હોય છે. એવા વાતાવરણમાં જેમનો જન્મ અને ઉછેર થયો હોય કે મોટા થઈને પોતે પણ ગુન્હેગાર જ બને એવા ગુન્હેગારોને જન્મજાત ગુન્હેગાર અથવા ગુન્હેગાર જન્મે છે એમ કહી શકાય. આવા લોકોને પોલીસ સ્ટેશન, અદાલત કે જેલ જેવા સ્થળો પર્યટન સ્થળો જેવા લાગે છે. આવા ગુન્હેગારોને સામાજિક લાંછન જેવું હોતું નથી.પતિ જેલમાં આવે તો પત્ની છોડાવે પત્ની જેલમાં આવે તો પતિ છોડાવે અને બન્ને એક સાથે આવે તો દીકરો છોડાવે આમ ગેરકાનૂની કામને વારસાગત રીતે એક વ્યવસાય તરીકે સ્વીકારી લીધું હોય છે. એને પોલીસ વકીલ,અને જેલ સ્ટાફ સાથે મૈત્રી હોય છે અથવા કોઈ ડર જેવું હોતું નથી હાલ નવયુવાનો ડ્રગ એડિક્ટ હોય છે  તેમના માબાપ વ્યસનથી મોટાભાગે દૂર હોય છે, છતાં પણ તેમને મળતું પ્લેટફોર્મ અને આજુ બાજુનું વાતાવરણ જવાબદાર હોય છે. વ્યક્તિને ગુનેગાર બનવા માટે ઘણા પરિબળો જવાબદાર હોય છે. ગરીબી, જરૂરિયાત, વટપાડવા અને ટૂંકા રસ્તે જલ્દી પૈસા મેળવવા 
ઉપરાંત સામ્પ્રત સમયમાં વેબસિરીઝ અમુક ફિલ્મી અસર જેવી ઘણી બધી બાબતો જવાબદાર હોય છે જેમ કોઈ ડોક્ટર કે IPS કે IAS અધિકારીઓ ઇચ્છતા હોય તે પોતાનું સંતાન પોતાના વ્યવસાય સાથે જોડાઈને પોતાની કેડી ઉપર ચાલે પોતાનાથી સવાયો બને એનો કારોબાર સંભાળે આમ ઘણા માતાપિતા બે નંબરના ધંધાનો વારસો પોતાના સંતાનોને સોંપતા હોય છે. પણ અપવાદ રૂપ કિસ્સાઓમાં ગુન્હેગારનું સંતાન ઘણીવાર અંધારી આલમનો રસ્તો છોડી સારા નાગરિક કે પ્રમાણિક અધિકારી બની શકે છે એનાથી વિપરીત સારા પરિવારના કે સારા અધિકારીઓનું સંતાન કોઈ ખરાબ સોબતથી ગુન્હાહિત પ્રવૃતિ તરફ વળી જઈને બુટલેગર પણ બની જતા હોય છે. પણ માતા પિતાનો ક્રિમીનલ વારસો સાંભળે એવા સંતાનો જન્મજાત ગુન્હેગાર તરીકે જન્મ્યા એમ કહેવાય છે. પણ ઘણી વાર ગરીબીના કારણે મજબૂરીના લીધે ખાસ તો ખરાબ સોબતમાં કારણે યુવાનો ક્રાઈમની દુનિયામાં નવેસરથી પ્રવેશ કરે છે. દરેક ગરીબ કે મજબૂર વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા ગુન્હેગાર બને એ પણ જરૂરી નથી. પોતાના નાના બાળકને પીઠ સાથે બાંધી ધોમ ધખતા તાપમાં કડકડતી ઠંડીમાં કાળી મજૂરી કરીને કે ભીખ માગીને જીવન નિર્વાહ કરે પણ ક્યારેય અનધિકૃત પ્રવૃતિ ન કરે એવા ખાનદાન ગરીબો આ દેશમાં અસંખ્ય છે. પણ ગરીબી મજબૂરી કે ખરાબ સોબતના લીધે ઘણા યુવાન યુવતીઓ અંધારી આલમ તરફ દોરવાય જાય છે. આ ક્રિમીનલ દુનિયા વન-વે છે. જેમાં પ્રવેશ કર્યા પછી પાછા વળવાની શક્યતા નહીવત છે. પણ મારે એ વાત પણ કરવી છે કે ગુન્હેગાર જન્મ્યો હોય કે ગુન્હેગાર બન્યો હોય પણ ક્રિમીનલની દુનિયામાં પ્રવેશ કરવો, આ દુનિયામાં ટકવું સફળ થવું પણ સરળ નથી એમાં પણ ખૂબ હરિફાઈ છે. એમાં પણ પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડે છે. ક્યારેક વર્ચસ્વની લડાઈમાં ખૂન ખરાબા થતા હોય છે જેને ગેંગવોર કહેવામાં આવે છે. રાધિકા જિમખાના હત્યાકાંડ જીવંત ઉદાહરણ છે. ઉપરાંત તો સામાજિક અને આધ્યાત્મિક જગતની નારાજગીનો ભોગ બનવું પડે છે. લોકોની ઉપેક્ષા સહન કરવી પડે છે. ભદ્ર સમાજ આવા ગુન્હેગારોને તુચ્છ નજરે જુવે છે. અંધારી આલમમાં ટકવા ભ્રષ્ટ પોલીસ સાથે મિત્રતા અને ઇમાનદાર પોલીસ સાથે દુશ્મની કરવી પડે છે. માન સન્માન ગીરવે મૂકી અર્ધી જિંદગી જેલમાં ગુજારવી પડે છે. કાળી કમાણીનો મોટો હિસ્સો ભ્રષ્ટ પોલીસ, ધારા‌ શાસ્ત્રીઓ અને વધ્યું ઘટ્યું ભ્રષ્ટ જેલ સ્ટાફ લઈ જાય છે. આમ ગુન્હેગાર જન્મ્યો હોય કે બન્યો હોય પણ એનું ભવિષ્ય તો હમેશા ખતરામાં હોય છે.એક વાતનો ફરી પુનરોચ્ચાર કરું છું કે આવા ગુન્હેગારોની જિંદગીનો અંત ક્યારેય સારો હોતો નથી. આવા લોકો બે નંબરની કાળી કમાણીના કેફમાં મોંઘી ગાડીઓમાં સોના ચાંદીના દળદાર દાગીના ધારણ કરી રોફ જમાવતા જોવા મળે છે. પણ જીવનના ઉતરાર્ધમાં ભયંકર રોગથી પીડાઈને જેલમાં મૃત્યુ પામે છે અથવા કે કોઈ દુશ્મનના હાથે કે પોલીસના હાથે ઠાર મરે છે. એટલે હું સ્વાનુભવ મુજબ પોકારી પોકારીને કહું છું કે પોતાની અને સમગ્ર પરિવારના ભવિષ્યની ઘોર ખોદે એવા ગોરખધંધાથી હમેશા દૂર રહેવા મારી વણમાગી સલાહ છે.આમ ગુન્હેગાર તરીકે જન્મ્યા હોય કે સંજોગોને આધિન ગુન્હેગાર બન્યા પણ છેવટે સામાજિક આર્થિક અને શારીરિક નુકશાન વેઠવું જ પડે છે. માટે ક્રાઈમની દુનિયાથી ખરાબ સોબતથી દૂર રહો.

Back to top button
error: Content is protected !!