
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૧૫ મે : કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી તરીકે શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. આજરોજ વિધિવત ચાર્જ સંભાળતા શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં આગામી સમયમાં તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાનું સુચારું અમલીકરણ થાય તે બાબતને પ્રાથમિકતા આપીને કચ્છના શહેરોથી લઈને છેવાડાના નાગરિકોને તેનો લાભ મળે તે દિશામાં કામગીરી કરશે. તેઓએ કચ્છના વિવિધ એસોસિએશન, સ્ટેકહોલ્ડર્સ સાથે સંકલન સાધીને કચ્છના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી હતી. કચ્છમાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ૨૦૧૪ ની બેચના (RR 2014) આઈ.એ.એસ અધિકારી છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને તેઓએ શૈક્ષણિક કારકિર્દીમાં બી.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન)નો અભ્યાસ કર્યો છે.આ નિયુક્તિ પૂર્વે શ્રી અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ ખાતે જિલ્લા કલેક્ટર, રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, ખેડા જિલ્લામાં મદદનીશ કલેક્ટર, અમદાવાદ ખાતે નગરપાલિકાઓના આરસીએમ અને ગાંધીનગર ખાતે અન્ન,પુરવઠા વિભાગ તેમજ મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર ખાતે ફરજો બજાવી ચૂક્યા છે.






