RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ધો.૧૦-૧૨માં પ્રથમ ત્રણ ક્રમે આવનારા સફાઈ કામદારોના બાળકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે

તા.૧૫/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

યોજનાનો લાભ લેવા સફાઈ કામદાર વિકાસ નિગમની સાઈટ પર ૩૦મી જૂન પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે

Rajkot: રાજ્યના સફાઈ કામદારોના બાળકો અને તેઓના આશ્રિત બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે સરકાર દ્વારા વિશેષ પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને રોકડ ઈનામ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આ યોજના હેઠળ ઓનલાઈન મળેલી અરજીઓ પૈકી મેરિટના આધારે પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર, આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ પ્રકારની વાર્ષિક આવક મર્યાદા રાખવામાં આવી નથી. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના ત્રણેય પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ૫૧,૦૦૦, દ્વિતીય ક્રમે આવનારને ૪૧,૦૦૦ અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીને ૩૧,૦૦૦ની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.

અરજદારે સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને વર્ષ ૨૦૨૬ની માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ માર્ચ-એપ્રિલ ૨૦૨૬માં એસ.એસ.સી. કે એચ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી હોય તેઓ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ યોજના માટે તા. ૧૫મે થી ૩૦ જૂન ૨૦૨૬ સુધીમાં અરજી કરી શકાશે.

Back to top button
error: Content is protected !!