BHUJGUJARATKUTCH

વસ્તી ગણતરી ૨૦૨૭ કચ્છ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વસ્તી ગણતરી અંતર્ગત ‘સ્વગણતરી (Self-Enumeration)’ પોર્ટલની સેવાનો મહત્તમ લાભ લેવા કચ્છના નાગરિકોને કરી અપીલ

નાગરિકો વસ્તી ગણતરી પ્રક્રિયામાં ૧૭ મે થી ૩૧ મે સુધી ઘરે બેઠા ઓનલાઈન પોર્ટલ પર ‘સ્વગણતરી’ સુવિધાનો લાભ લઈ શકશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

વસ્તી ગણતરીમાં ‘સ્વગણતરી’ ઓનલાઈન સુવિધાથી નાગરિક અને તંત્રની સમય અને શક્તિની થશે બચત

વસ્તી ગણતરી અંગેના કોઈપણ પ્રશ્ન માટે નાગરિકો હેલ્પલાઈન ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ ઉપર સંપર્ક કરી શકશે

ભુજ ,તા-૧૭ મે : કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વસ્તી ગણતરી ૨૦૨૭ની મહત્વપૂર્ણ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનના પ્રથમ તબક્કાના ભાગરૂપે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે કે, આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે. કલેક્ટરશ્રીએ વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઘરોની ગણતરી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજથી એટલે કે તારીખ ૧૭ મે થી લઈને ૩૧ મે સુધી તમામ નાગરિકો માટે ‘સેલ્ફ ઇન્યુમરેશન’ એટલે કે સ્વગણતરી/સ્વગણનાની એક વિશેષ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે નાગરિકોએ ઓનલાઈન પોર્ટલ se.census.gov.in પર જવાનું રહેશે.ઓનલાઈન સ્વગણતરીની પ્રક્રિયા અંગે કચ્છ કલેક્ટર એ જાણકારી આપતા જણાવ્યું હતું કે, નાગરિકોએ se.census.gov.in પોર્ટલ પર જઈને પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, જેના પર એક ઓટીપી (OTP) આવશે. આ ઓટીપી સબમિટ કર્યા બાદ, ઘર અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગેના કુલ ૩૩ જેટલા પ્રશ્નો આવશે, જેની માહિતી નાગરિકોએ ઓનલાઈન ભરવાની રહેશે. આ વિગતો ભરીને સબમિટ કરવાથી એક આઈડી (ID) જનરેટ થશે, જેને નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે.ત્યારબાદ, આગામી તારીખ ૧ જૂનથી લઈને ૩૦ જૂન સુધી વસ્તી ગણતરી માટેના ગણતરીદારો રૂબરૂ નાગરિકોના ઘરે આવશે અને જરૂરી માહિતી મેળવશે. આ સમયે જો નાગરિકો અગાઉ ઓનલાઈન મેળવેલ આઈડી ગણતરીદારને આપશે, તો ગણતરીદાર પોતાની એપમાં તે આઈડી નાખતાની સાથે જ નાગરિક દ્વારા ભરાયેલી તમામ માહિતી આપોઆપ તેમાં રિફ્લેક્ટ થઈ જશે. આનાથી નાગરિકો તેમજ તંત્ર બંનેના સમય અને શક્તિની મોટી બચત થશે અને કામગીરી ઝડપી તેમજ સચોટ બનશે.કલેક્ટર એ વસ્તી ગણતરીની અગત્યતા પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, વસ્તી ગણતરી એ સરકાર માટે અત્યંત મહત્વનું કાર્ય છે. નાગરિકો દ્વારા આપવામાં આવતો ચોકસાઈપૂર્વકનો ડેટા ભવિષ્યમાં સરકારને લોક-સુખાકારી અને જનકલ્યાણના નિર્ણયો લેવામાં પાયાનું માધ્યમ બનશે. જેનો સીધો ફાયદો લોકોને જ થશે. આથી, કચ્છ જિલ્લાના તમામ નાગરિકો વસ્તી ગણતરી ૨૦૨૭ પ્રક્રિયામાં આજ તા. ૧૭ મે, ૨૦૨૬થી જ ‘સેલ્ફ ઇન્યુમરેશન’ એટલે કે સ્વગણતરી/સ્વગણનાની ઓનલાઈન વિશેષ સુવિધાનો લાભ લઈને સચોટ જાણકારી સબમિટ કરે તેમ કલેક્ટર એ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી પ્રક્રિયામાં કોઈપણ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ પર સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકાય છે.

Back to top button
error: Content is protected !!