
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ મે : ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ, કચ્છ જિલ્લાના ખેડૂત મિત્રોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરવા અને ખેતીમાં રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લામાં “ખેડૂત જાગૃતિ અભિયાન” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખાસ અભિયાન દ્વારા આગામી દિવસોમાં જિલ્લાના ગામડાઓ સુધી વ્યાપક જાગૃતિ લાવવામાં આવશે. હાલમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂત જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેથી છેવાડાના દરેક ખેડૂત સુધી આ મહત્વપૂર્ણ માહિતી પહોંચાડી શકાય.આ અભિયાન અંતર્ગત ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખાતરના યોગ્ય પ્રમાણ અને સંતુલિત ઉપયોગ અંગે સમજ આપવામાં આવી રહી છે. રાસાયણિક ખાતરના વિકલ્પરૂપે જૈવિક ખાતર, સેન્દ્રિય ખાતર અને ગાય આધારિત ખેતી પદ્ધતિઓ અપનાવવા અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે ‘નેનો યુરિયા’ અને ‘નેનો ડીએપી’ જેવા આધુનિક ખાતરોના ઉપયોગથી ખેતીના ખર્ચમાં ઘટાડો તથા ઉત્પાદન વધારવાના લાભો અંગે પણ ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ખેતીમાં નવી ટેકનોલોજી, પાક સંરક્ષણ અને ફાયદાકારક ખેતી પદ્ધતિઓ અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે.કચ્છ જિલ્લામાં કૃષિ, બાગાયત, આત્મા વિભાગ, કૃષિ યુનિવર્સિટી, ખાતર ઉત્પાદક કંપનીઓ તથા વિવિધ ખેડૂત સંસ્થાઓના સહયોગથી આ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તમામ ખાતેદાર ખેડૂતોને સત્વરે પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના, બાકી ખેડૂતો માટે ઈ-કેવાયસી (e-KYC) તથા અન્ય રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિ કલ્યાણ યોજનાઓ અંગે પણ ખેડૂતોને સચોટ માહિતી આપવામાં આવી રહી છે.કચ્છ જિલ્લાના તમામ ખેડૂત ભાઈ-બહેનોને આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવે છે. સરકારી યોજનાઓ અને ખેતીલક્ષી વધુ માહિતી માટે ખેડૂત મિત્રોએ પોતાના સંબંધિત ગ્રામ સેવકશ્રી અથવા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, ભુજ-કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



