
વિજાપુર તાલુકા ના વસઈ પીએચસી ખાતે 100 ડે ટીબી 2.0 અંતર્ગત એક્સ-રે અને એનસીડી કેમ્પ યોજાયો
148 લાભાર્થીઓની ટીબી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિત વિવિધ આરોગ્ય તપાસ કરાઈ


વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા તેમજ તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ “100 ડે ટીબી 2.0” કાર્યક્રમ અંતર્ગત એક્સ-રે કેમ્પ અને એનસીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગ્રામજનોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.
કેમ્પ દરમિયાન ટીબી માટે વધુ સંવેદનશીલ ગણાતા વર્ગોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જેમાં તમાકુ અને આલ્કોહોલનું સેવન કરતા લોકો, ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરના દર્દીઓ, 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો તેમજ ટીબી દર્દીઓના સંપર્કમાં રહેતા પરિવારજનોની આરોગ્ય તપાસ હાથ ધરાઈ હતી. કુલ 148 લાભાર્થીઓના ચેસ્ટ એક્સ-રે કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એનસીડી કેમ્પ હેઠળ લાભાર્થીઓના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વજન, ઊંચાઈ અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) ની તપાસ પણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વહેલી તકે રોગની ઓળખ અને સમયસર સારવાર મળી રહે તે માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરીનું આયોજન એસ.ટી.એસ. પ્રકાશભાઈ નાયી તથા સુપરવાઈઝર એલ.બી. રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા રજિસ્ટ્રેશન અને આરોગ્ય તપાસની કામગીરી સફળતાપૂર્વક સંભાળવામાં આવી હતી.




