BHUJGUJARATKUTCH

ભુજના કુનરિયા ગામે ખેડૂતોને આધુનિક ખેતી અને ખાતરના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ મે : ભુજ તાલુકાના કુનરિયા ગામે ‘સંકલિત ખાતર વ્યવસ્થાપન જાગૃતિ અભિયાન’ અંતર્ગત એક ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ હાજરી આપીને આધુનિક ખેતી અને ખાતરના યોગ્ય વપરાશ અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.આ તાલીમ કાર્યક્રમ દરમિયાન કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય તેવા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા માટે ખાતરનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ કેવી રીતે કરવો તેની સરળ સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખેતીના ખર્ચમાં ઘટાડો કરી શકાય તે હેતુથી બજારમાં ઉપલબ્ધ યૂરિયા અને ડીએપીના અન્ય અસરકારક વિકલ્પો વિશે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.ખેડૂતોને રોજિંદી ખેતીમાં ઉપયોગી એવી ‘કૃષિ પ્રગતિ એપ’ના વિવિધ લાભો અને તેના ડિજિટલ વપરાશ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ, સરકારી યોજનાઓ અને સહાયનો સીધો લાભ મેળવવા માટે જરૂરી ખેડૂત નોંધણીની પ્રક્રિયા પણ સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી જેથી ખેડૂતો સરળતાથી તેનો લાભ લઈ શકે.આ તાલીમ શિબિરમાં કૃષિ વિભાગના ગ્રામસેવકશ્રીઓ કિમ્પલ દેત્રોજા, અંકિત માડમ અને હર્ષદીપસિંહ રાણા, ક્રીભકોના ડિસ્ટ્રિક્ટ ઓફિસર હાર્દિક આદ્રોજા, જીએસએફસીના ડિસ્ટ્રિક્ટ લેવલ કોર્ડિનેટર ધરમસિંહ વાલા તેમજ કાઝરી (કુકમા)ના વૈજ્ઞાનિક ડો. અવિનાશ બોચાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ તજજ્ઞોએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપી મૂંઝવણો દૂર કરી હતી. કૃષિ નિષ્ણાતોએ ઉપસ્થિત સૌ ખેડૂતોને “આવો, શીખો, પ્રગતિ કરો” ના સૂત્ર સાથે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેતી કરવા અપીલ કરી હતી.

 

Back to top button
error: Content is protected !!