હાલોલમાં આગામી ઈદના તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૫.૨૦૨૬
આગામી ૨૮ મે, ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ) ની ઉજવણી સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવનાર છે. આ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકતાના વાતાવરણમાં ઉજવાય તે હેતુથી આજે ગુરુવારે હાલોલ ટાઉન પોલીસ મથકે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હાલોલ નગરના તમામ વિસ્તારોમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે માટેનો હતો.બેઠક દરમિયાન પીઆઈ આર. કે. દેસાઈએ ઉપસ્થિત અગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં આવી રહેલો બકરી ઈદનો પવિત્ર તહેવાર તમામ નગરજનો પરંપરાગત રીતે, ભાઈચારા સાથે અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તેવી પોલીસ તંત્ર અપીલ કરે છે.આ બેઠકમાં હાલોલ નગરના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના સ્થાનિક આગેવાનો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તમામ આગેવાનોએ વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની અને નગરમાં શાંતિ જાળવી રાખવાની ખાતરી આપી હતી.










