ધનોલ ચોકડી પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત,એક વ્યક્તિનું મોત બે ગંભીર ઇજાગ્રસ્ત.

તારીખ ૨૨/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધનોલ ચોકડીથી ચાંચપુર રોડ ઉપર ગત રાત્રે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક ૪૦ વર્ષીય આધેડનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસ ફરિયાદ અનુસાર, મોટી ધનોલ ગામના રહેવાસી સુનીલકુમાર પ્રતાપસિંહ પરમાર અને તેમનો પરિવાર ચાંચપુર ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન રાત્રિના આશરે ૯:૧૫ વાગ્યાની આસપાસ તેમને ફોન દ્વારા માહિતી મળી હતી કે ધનોલ ચોકડીથી ચાંચપુર રોડ ઉપર તેમના કાકા અને અન્ય સંબંધીઓનો અકસ્માત થયો છે.ઘટના સ્થળે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રંજીતસિંહ અજીતસિંહ પરમાર (ઉં.વ. ૪૦) પોતાની મોટરસાયકલ (GJ-17-BQ-6351) લઈને ધનોલથી ચાંચપુર લગ્નમાં જઈ રહ્યા હતા. તે જ સમયે સામેથી (ચાંચપુર તરફથી) આવતી અન્ય એક મોટરસાયકલ (GJ-17-CR-2919) ના ચાલક અમરસિંહ રાયસિંગસિંહ પરમારે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રંજીતસિંહની બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો ગંભીર હતો કે રંજીતસિંહ પરમારને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ગોધરા સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજી બાઇકના ચાલક અમરસિંહ પરમાર (ઉં.વ. ૬૦) અને તેમની પાછળ બેસેલા ગણપતસિંહ ચૌહાણ (ઉં.વ. ૫૦) ને પણ શરીરે નાની-મોટી અને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.આ મામલે સુનીલકુમાર પરમારની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક અમરસિંહ પરમાર વિરૂદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.







