કાલોલ તાલુકાના સાતમણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વ્યાપક ગેરરીતિઓ, તલાટીની અનિયમિતતા અને ભ્રષ્ટાચાર મામલે TDOને રજુઆત.

તારીખ ૨૨/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયત હેઠળ આવતી સાતમણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વહીવટી શિથિલતા અને આર્થિક ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કાલોલ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકો દ્વારા તલાટી-કમ-મંત્રીની અનિયમિતતા અને ગટર લાઇનના કામમાં સરકારી નાણાંની ઉચાપત અંગે તાકીદે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને કરાયેલી ફરિયાદ અનુસાર, સાતમણા ગ્રુપ ગ્રામ પંચાયતના પેટા ફળીયા ‘કરાનામુવાડા’ માં ભાથીજી મંદિરની બાજુમાં ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું ન હોવા છતાં, સ્થળ પર કામ કર્યા વિના ખોટા બિલો રજૂ કરીને રૂ. ૧,૯૮,૦૦૦ (એક લાખ ઠાણું હજાર) ની સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે, અન્ય કોઈ સ્થળના ફોટા ખોટી રીતે રજૂ કરીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી આ આર્થિક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ મામલે આગામી ૧૦ દિવસમાં તટસ્થ તપાસ હાથ ધરી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.બીજી તરફ, સાતમણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી-કમ-મંત્રી અમિતભાઈ ડામોર લાંબા સમયથી પંચાયત કચેરીમાં અનિયમિત રહેતા હોવાની પણ લેખિત ફરિયાદ કરાઈ છે.હાલમાં જ ધોરણ-૧૦ અને ૧૨ના પરિણામો આવ્યા હોવાથી, સ્થાનિક વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ અને એડમિશન માટે વિવિધ સરકારી દાખલાઓની ખૂબ જ જરૂર પડી રહી છે. પરંતુ તલાટી પંચાયત કચેરીમાં હાજર ન રહેતા હોવાને કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને કચેરીના ધક્કા ખાવા મજબૂર બનવું પડી રહ્યું છે. આ બાબતે TDOને તાકીદે હુકમ કરી તલાટીને નિયમિત કચેરીએ હાજર રાખવા માંગ કરવામાં આવી છે. આ પત્રની એક નકલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) પંચમહાલ, ગોધરાને પણ રવાના કરવામાં આવી છે.







