કાલોલ:વેજલપુરના પનોતા પુત્ર નિરજભાઈ પટેલ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ બનતા હર્ષની લહેર દોડી.

તારીખ ૨૨/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના રાજકારણ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લા પંચાયતના સર્વોચ્ચ પદ એટલે કે પ્રમુખ તરીકે વેજલપુર જિલ્લા પંચાયત બેઠકના સક્રિય અને લોકપ્રિય સભ્ય નિરજભાઈ પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. તેમની આ વરણી થતાં જ સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત કાલોલ તાલુકાના વેજલપુર સહિત સમગ્ર પંથકના કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, સંગઠન અને પક્ષના મોવડીમંડળ દ્વારા નિરજભાઈ પટેલના પાયાના કાર્યો, વિસ્તારમાં તેમની લોકપ્રિયતા અને વહીવટી કુશળતાને ધ્યાને રાખીને તેમને જિલ્લા પંચાયતના સુકાની તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નિરજભાઈ પટેલ લાંબા સમયથી લોકઉપયોગી કાર્યો અને જનસેવા સાથે જોડાયેલા છે, ત્યારે તેમના પ્રમુખ બનવાથી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે.નિરજભાઈ પટેલની આ મોટી તાજપોશીથી સ્થાનિક સ્તરે ખુશીની લહેર દોડી ગઈ છે. વેજલપુરના જ વતની હવે આખા જિલ્લાનું સુકાન સંભાળવાના હોઈ, સ્થાનિક લોકોમાં ભારે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. હવે વેજલપુર ગામ ઉંચી શિખરો પાર કરશે અને એક નવી દિશામાં વેજલપુર ગામનો વિકાસ ભરપૂર થશે તેવું ગ્રામજનોમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.નિરજભાઈ પટેલની પ્રમુખ તરીકે પસંદગી થતા જ સાથી સભ્યો, રાજકીય આગેવાનો અને સ્નેહીજનો દ્વારા તેમને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ સવારથી જ તેમના પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે.







