
વિજાપુર-મોતીપુરા-વિસનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત
કાર પલ્ટી મારતા એક્ટિવા સવારને અડફેટે લીધો : બેના મોત, આઠને ઇજા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મોતીપુરા-વિસનગર હાઇવે રોડ ઉપર થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સામે તરફથી આવી રહેલી રાજસ્થાન પાસિંગ RJ 39 UB 1121 નંબરવાળી સ્કોર્પિયો કારે મોતીપુરા ગામના પીનાક ભાઈ પટેલની બાઈકને ટક્કર મારતા તેઓ રસ્તા પર નીચે પટકાઈ પડયા હતા તેઓ ને ઇજાઓ પોહચી હતી બાઇકને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયોના કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ હતી. પલ્ટી મારેલી કારે રસ્તા પર એક્ટિવા લઈને ઉભેલા રમણભાઈ પટેલને જોરદાર ટક્કર મારતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ચાલક મુસ્તકીમખાન પઠાણનું પણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત અન્ય આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી તપાસ હાથ ધરી હતી. મૃતક રમણભાઈ પટેલના ભત્રીજા કિરણભાઈ ડાહ્યાભાઈ પટેલે પોલીસ મથકે અકસ્માત અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.




