BHUJGUJARATKUTCH

MRP અંગે કડક કાયદાની માંગ સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની કચ્છ કલેક્ટરને રજૂઆત.

ગ્રાહકો સાથે થતી છેતરપીંડી રોકવા મહત્તમ છૂટક કિંમતની છપાઈ માટે સ્પષ્ટ નીતિ-નિયમો ઘડવાની માંગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા. ૨૫ મે, ૨૦૨૬ : અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા મહત્તમ છૂટક કિંમત (MRP)ની છપાઈ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ નીતિ-નિયમો અને કાયદો ઘડવાની માંગ સાથે કચ્છ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.ગ્રાહક પંચાયત છેલ્લા ૫૩ વર્ષોથી દેશના વિવિધ રાજ્યોના ૪૦૦થી વધુ જિલ્લાઓમાં બિનરાજકીય સ્વયંસેવી સંગઠન તરીકે કાર્યરત છે. સંસ્થા ગ્રાહક જાગૃતિ, ગ્રાહક પ્રશિક્ષણ તથા ગ્રાહક સમસ્યાઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન આપતી આવી છે.રજૂઆતમાં જણાવાયું હતું કે હાલમાં ભારતમાં વસ્તુઓ અને સેવાઓ પર મહત્તમ છૂટક કિંમત (MRP) છાપવા બાબતે કોઈ સ્પષ્ટ નીતિ-નિયમો કે કાયદાકીય જોગવાઈઓ ન હોવાથી ગ્રાહકો સાથે અનેક પ્રકારની છેતરપીંડી થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રાહક પંચાયતે રાષ્ટ્રીય સ્તરે MRP છાપવાની પ્રક્રિયા માટે કડક નીતિ અને કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે.સાથે જ ગ્રાહક હિતને ધ્યાનમાં રાખી સંભવિત ઉપાયો અને સૂચનો સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું અને તેને સંબંધિત મંત્રાલય સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી.આ રજૂઆતમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયોજક તખતસિંહ બી. સોઢા તથા સંયોજિકા રસિલાબેન ડી. પંડયા સાથે જાગૃત નાગરિકો તરીકે અલ્પેશભાઈ જાની તેમજ પ્રેમભાઈ ગુપ્તા જોડાયેલ હતા.

Back to top button
error: Content is protected !!