કાલોલ નગરમાં ઘર પર પથ્થરમારો કરવા બાબતે પૂછવા ગયેલા દંપતી પર લાકડી અને ગડદાપાટુથી જીવલેણ હુમલો

તારીખ ૨૬/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં પથ્થરમારો કરવા જેવી સામાન્ય બાબતે પૂછપરછ કરવા ગયેલા એક દંપતી પર પાડોશમાં રહેતા દંપતીએ લાકડી અને ગડદાપાટુ વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કાલોલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા નિલેશકુમાર રમેશભાઈ વણકર ગત ૨૩ મે ૨૦૨૬ના રોજ નોકરી પર ગયા હતા. તે દરમિયાન સવારે અગિયાર વાગ્યાની આસપાસ સોસાયટીમાં જ રહેતા આરોપી રમેશભાઈ મકનભાઈ સોલંકીએ તેમના ઘરના પાછળના ભાગે પથ્થર માર્યા હતા. નિલેશભાઈની પત્ની નિશાબેને “પથ્થર કોણ મારે છે, અમને વાગશે” તેમ કહેતા આરોપી રમેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને “હું પથ્થર મારૂં છું, તમારે થાય તે કરી લો” તેમ કહી ઘરમાં મારવા દોડી આવ્યા હતા.બપોરે નિલેશભાઈ નોકરી પરથી પરત ફરતા પત્નીએ સમગ્ર હકીકત જણાવી હતી. જેથી દંપતી આ બાબતે વાતચીત કરવા આરોપી રમેશભાઈ સોલંકીના ઘરે ગયું હતું. ત્યાં પૂછપરછ કરતા જ આરોપી રમેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બિભત્સ ગાળો આપી ઘરમાથી લાકડી લઈ આવ્યા હતા.આરોપીએ નિલેશભાઈને ડાબા કાનના ભાગે લાકડી મારી દીધી હતી. ત્યારબાદ બીજી લાકડી મારવા જતા નિલેશભાઈ બાજુમાં ખસી ગયા હતા, જેના કારણે લાકડી સીધી તેમની પત્ની નિશાબેનના માથાના ઉપરના ભાગે વાગતા ચામડી ફાટી ગઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. તે જ સમયે આરોપીની પત્ની ધર્મિષ્ઠાબેન સોલંકીએ નિશાબેનને પકડી રાખ્યા હતા અને રમેશભાઈએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો જ્યાં નિશાબેનના માથામાંથી અતિશય લોહી નીકળતું જોઈને બંને આરોપીઓ પોતાના ઘરમાં ભરાઈ ગયા હતા. જતાં જતાં આરોપીઓએ ધમકી આપી હતી કે, “આજે તો તમે બચી ગયા છો, જો હવે પછી અમારું નામ લેશો તો તમને જાનથી મારી નાખીશું.” લોહીલુહાણ હાલતમાં નિલેશભાઈ પોતાની મોટરસાયકલ પર પત્નીને લઈને કાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ નિશાબેનની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. પત્નીની સારવારમાં વ્યસ્ત હોવાને કારણે નિલેશભાઈએ ૨૫ મે ૨૦૨૬ના રોજ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કાલોલ પોલીસે ફરિયાદી નિલેશકુમાર વણકરની ફરિયાદના આધારે આરોપી (૧) રમેશભાઈ મકનભાઈ સોલંકી અને (૨) ધર્મિષ્ઠાબેન રમેશભાઈ સોલંકી વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૧૫(2), ૩૫૨, ૩૫૧(2), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.







